સાડીમાં કે 3D ફોટો બનાવવા જેમિની AIનો ઉપયોગ કરતાં પહેલાં ચેતજો
ગૂગલનું જેમિની નેનો બનાના AI સાડી ટ્રેન્ડ ઇન્સ્ટાગ્રામ પર હાલ વાયરલ થઈ રહ્યો છે, જે યુઝર્સની

ગૂગલનું જેમિની નેનો બનાના AI સાડી ટ્રેન્ડ ઇન્સ્ટાગ્રામ પર હાલ વાયરલ થઈ રહ્યો છે, જે યુઝર્સની સામાન્ય સેલ્ફીને 90ના દાયકાના બોલિવૂડ સ્ટાઈલ વિન્ટેજ ફોટોમાં બદલવાની સુવિધા આપે છે. આ ટ્રેન્ડ તેના ડ્રામેટિક વિઝ્યુઅલ ઇફેક્ટ્સના કારણે લોકપ્રિય થઈ રહ્યો છે, જેમાં સાડીઓ, ગોલ્ડન-અવર લાઇટિંગ અને સિનેમેટિક પોઝ જોવા મળે છે. જોકે, આ ટ્રેન્ડને કારણે AI ઇમેજ સુરક્ષા અંગે પણ ચિંતા વધી છે.
શું ગૂગલ જેમિની નેનો બનાનાનો ઉપયોગ સુરક્ષિત છે?
ગૂગલનું કહેવું છે કે જેમિની સાથે બનાવવામાં આવેલી ઇમેજમાં SynthID નામનો એક અદૃશ્ય વોટરમાર્ક હોય છે, જેમાં AI દ્વારા બનાવેલા કન્ટેન્ટને ઓળખવા માટે મેટાડેટા ટેગ્સ પણ હોય છે. aistudio.google.com પરની માહિતી મુજબ જેમિની 2.5 ફ્લેશ ઇમેજ સાથે બનાવેલ બધી ઇમેજમાં એક અદૃશ્ય SynthID ડિજિટલ વોટરમાર્ક હોય છે, જે AI-જનરેટેડ ઈમેજ તરીકે સ્પષ્ટપણે ઓળખે છે. આથી યુઝર્સને તે એક ટ્રાન્સપરન્સી આપે છે.
જોકે નિષ્ણાતો પણ જણાવે છે કે વોટરમાર્ક સાથે ચેડાં થઈ જ શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે કોઈપણ AI ટૂલનો ઉપયોગ કરતા પહેલા તેની પ્રાઈવસી પોલિસી અને શરતો કાળજીપૂર્વક વાંચવી જોઈએ. શક્ય હોય ત્યાં સુધી, અંગત અને સંવેદનશીલ માહિતી AI પ્લેટફોર્મ પર અપલોડ કરવાનું ટાળવું જોઈએ.
AI ટૂલ પર ફોટો અપલોડ કરતી વખતે તમારે નીચેની સાવચેતીઓ રાખવી જોઈએ:
- તમારા અંગત કે સંવેદનશીલ ફોટો અપલોડ કરવાનું ટાળો.
- કોઈપણ AI પ્લેટફોર્મ પર ફોટો અપલોડ કરતા પહેલા, તેની પ્રાઈવસી પોલિસી જરૂર વાંચો.
- ફોટો શેર કરતા પહેલાં તેમાંથી મેટાડેટા (એટલે કે, ફોટો કયા સ્થળે અને કયા ડિવાઈસ પર લેવામાં આવ્યો હતો તેની માહિતી) દૂર કરો. આ કરવાથી, અજાણતાં પણ તમારી અંગત માહિતી લીક થતી અટકશે અને તમારું લોકેશન પણ સુરક્ષિત રહેશે.
મેટાડેટા કેવી રીતે દૂર કરશો?
તમે વિવિધ પદ્ધતિઓ દ્વારા ફોટોમાંથી મેટાડેટા હટાવી શકો છો.
મોબાઇલ પર:
- Google Photosમાં, ફોટો ખોલો અને તેના પરના i આઈકન પર ક્લિક કરો. ત્યાં તમને મેટાડેટા દેખાશે. આ મેટાડેટા દૂર કરવા માટે તમે Photo Exif Editor જેવી થર્ડ-પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.
- કેટલાક સ્માર્ટફોન અને ડિવાઈસમાં બિલ્ટ-ઇન ઓપ્શન પણ ઉપલબ્ધ હોય છે. ફોટો ઓપન કરીને Edit અથવા Moreમાં જઈને Remove Metadata પસંદ કરી શકાય છે.
કમ્પ્યુટર પર (Windows):
- તમે જે ફોટોનો મેટાડેટા દૂર કરવા માંગો છો તેના પર રાઈટ ક્લિક કરો.
- Properties પર જાઓ અને Details ટેબ પસંદ કરો.
- ત્યાં 'Remove Properties and Personal Information' પર ક્લિક કરો.
- હવે તમે મેટાડેટા સાથેની ફાઈલની નવી કોપી બનાવી શકો છો અથવા મૂળ ફાઈલમાંથી મેટાડેટા દૂર કરી શકો છો. આ સાવચેતીઓનું પાલન કરવાથી તમે તમારી અંગત માહિતીની વધુ સારી રીતે સુરક્ષિત કરી શકશો.
ગૂગલ જેમિની નેનો બનાનાનો સુરક્ષિત રીતે ઉપયોગ કેવી રીતે કરવો?
નિષ્ણાતો સલાહ આપે છે કે વાઈરલ AI ટૂલ્સનો ઉપયોગ કરતા પહેલા યુઝર્સે સાવચેતી રાખવી જોઈએ. તેમાં સંવેદનશીલ અથવા ખાનગી ફોટો અપલોડ કરવાનું ટાળવું, લોકેશન ટેગ્સ જેવી મેટાડેટાને દૂર કરવી અને સોશિયલ મીડિયા પર પ્રાઇવસી સેટિંગ્સને વધુ કડક બનાવવાનો સમાવેશ થાય છે. ફોટો ક્યાં અને કેવી રીતે શેર થાય છે તે મર્યાદિત કરવાથી પણ દુરુપયોગનું જોખમ ઘટાડી શકાય છે.








