VIDEO: Tech News / UIDAIની નવી સ્માર્ટ એપથી ઘરબેઠા થશે આધાર અપડેટ અને હાઇટેક વેરિફિકેશન
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા રજૂ કરવામાં આવેલી નવી ‘આધાર’ મોબાઇલ એપને માત્ર પાંચ મહિનામાં જ 3.1 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. સોમવારે જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, આ એપના માધ્યમથી લગભગ 40 લાખ યુઝર્સે પોતાનો મોબાઇલ નંબર ઉમેર્યો (એડ) છે, જ્યારે આશરે 8.5 લાખ લોકોએ સરનામામાં સુધારો (મોડિફિકેશન) કરવાની સુવિધા માટે આનો ઉપયોગ કર્યો છે.
લોકોમાં ક્રેઝ વધી રહ્યો છે
ઓથોરિટીએ જણાવ્યું હતું કે, પાંચ મહિના પહેલાં લોન્ચ કરાયેલી આ એપને દેશભરમાં ઝડપથી સ્વીકૃતિ મળી રહી છે અને તેનો વધતો ઉપયોગ આના પર લોકોનો વધતો વિશ્વાસ દર્શાવે છે. આ નવી આધાર એપ સ્માર્ટફોન દ્વારા મોબાઇલ નંબર અને સરનામું ઉમેરવા સહિતની ઘણી સેવાઓ પૂરી પાડે છે. આમાં ઉપલબ્ધ ક્યૂઆર (QR) કોડના માધ્યમથી સંપર્કની વિગતો ડિજિટલ રીતે શેર કરવાની સુવિધા પણ છે, જેનાથી વિઝિટિંગ કાર્ડ રાખવાની જરૂરિયાત પૂરી થઈ જાય છે.
પહેલાં કરતાં વધુ હાઇટેક અને સુરક્ષિત
UIDAI ની નવી આધાર એપ પહેલાંની સરખામણીમાં વધુ સુરક્ષિત અને હાઇટેક છે. આપને જણાવી દઈએ કે પહેલાં mAadhaar એપમાં વેરિફિકેશન (ચકાસણી) દરમિયાન યુઝર્સની તમામ માહિતી સામે આવી જતી હતી, પરંતુ નવી આધાર એપમાં માત્ર જરૂરી માહિતી જ શેર કરવામાં આવે છે. આ સાથે, UIDAI ની નવી એપ ઝડપી, સુરક્ષિત અને સ્માર્ટ ડિજિટલ અનુભવ આપે છે. આ ઉપરાંત, નવી આધાર એપમાં સુરક્ષિત ક્યૂઆર કોડ આધારિત આધાર શેરિંગ અને હાઇ કેવાયસી (KYC) ફીચર્સ પણ ઉપલબ્ધ છે.
આ તમામ સુવિધાઓ મળે છે
માહિતી અનુસાર, એપમાં એક ક્લિક દ્વારા બાયોમેટ્રિક લોક/અનલોક, હાજરીના પુરાવા માટે ફેસ વેરિફિકેશન (ચહેરો ચકાસણી), ઓથેન્ટિકેશન હિસ્ટ્રી (પ્રમાણીકરણ ઇતિહાસ) અને ક્યૂઆર આધારિત એડિટ કરી શકાય તેવા (સુધારા યોગ્ય) કોન્ટેક્ટ કાર્ડ જેવી સુવિધાઓ શામેલ છે. આ સાથે જ, યુઝર્સ ઈ-આધાર ડાઉનલોડ કરી શકે છે અને આધાર સેવા કેન્દ્રોની મુલાકાત લેવા માટે ઓનલાઇન અપોઇન્ટમેન્ટ (સમય) પણ લઈ શકે છે.
નવી એપ દ્વારા હોટેલમાં ચેક-ઇન કરતી વખતે હોટેલના ક્યૂઆર કોડને સ્કેન કરીને, આધારની ફિઝિકલ (ભૌતિક) નકલ આપ્યા વિના પણ વેરિફિકેશન કરી શકાય છે. ઓથોરિટીએ જણાવ્યું હતું કે, આ એપ હોસ્પિટલમાં દાખલ થવા, વિઝિટર્સ મેનેજમેન્ટ, ઇવેન્ટ્સમાં એન્ટ્રી અને ટેમ્પરરી વર્કર્સ (ગિગ વર્કર્સ) તથા સર્વિસ પાર્ટનર્સની ઓળખની ચકાસણી જેવા ઘણા કિસ્સાઓમાં મદદરૂપ છે.

