માનવ અસ્તિત્વ માટે જોખમ બની રહ્યું છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું સામ્રાજ્ય

માણસ પોતાની સુવિધા અને શોર્ટ-કટની લાલચમાં એટલો અંધ બની ગયો છે કે તેણે પોતાની બુદ્ધિ, વિવેક અને નૈતિકતાનું આખું તંત્ર સિલિકોન ચિપ્સ અને અલ્ગોરિધમના હવાલે કરી દીધું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે AI હવે માણસ દ્વારા આપવામાં આવતા આદેશો પર ચાલતું સામાન્ય ટૂલ નથી રહ્યું, માણસ પોતાની યાદશક્તિ ગુમાવી રહ્યો છે, સામાન્ય સરવાળા-બાદબાકી માટે કે બે લીટીનો પત્ર લખવા માટે પણ તે અલ્ગોરિધમ પર નિર્ભર થઈ ગયો છે. માનવીય મગજ જે લાખો વર્ષોના સંઘર્ષ પછી ધારદાર બન્યું હતું, તે હવે ડિજિટલ કાખઘોડીઓના સહારે લકવાગ્રસ્ત બની રહ્યું છે. AIની અગાધ ક્ષમતા સામે માણસની બુદ્ધિની તુચ્છ મર્યાદાઓ સ્પષ્ટપણે ખુલ્લી પડી ગઈ છે
માનવ ઈતિહાસના સાક્ષી રહેલા પાનાઓનું વિશ્લેષણ કરીએ તો સ્પષ્ટ સમજાય છે કે વિજ્ઞાાન અને સંશોધનની ગતિ હંમેશાં માનવ નિયંત્રણ અને સભાનતાના ચોકઠામાં બંધાયેલી રહી હતી. પૈડાંની શોધથી લઈને વરાળ યંત્ર, પ્રિન્ટિંગ પ્રેસ, વીજળી, ટેલિફોન અને છેવટે પર્સનલ કમ્પ્યુટર કે ઇન્ટરનેટ સુધીની સફર તરફ નજર નાખો, પ્રત્યેક નવી ક્રાંતિને પ્રયોગશાળાની ચાર દીવાલોમાંથી બહાર નીકળીને સામાન્ય માનવીના દૈનિક જીવનમાં ભળતાં દાયકાઓ અને કેટલીક વાર તો સદીઓનો સમય લાગ્યો હતો. આ ધીમી પ્રક્રિયા પાછળ કુદરતી સુરક્ષા કવચ એ હતું કે સમાજ, કાયદાકીય તંત્ર અને માનવીય મગજને તે નવી શોધના સંભવિત જોખમો સમજવા, તેને પચાવવા અને તેના નિયમન માટે પૂરતો સમય મળી રહેતો હતો. માણસ હંમેશાં સાધનોનો માલિક રહ્યો હતો અને ટેકનોલોજી તેની સેવક બનીને રહી હતી.
બીજી તરફ છેલ્લા ગણતરીના વર્ષોમાં વિજ્ઞાાન અને વિકાસના અંધાધૂંધ ઉન્માદમાં માનવજાતે એવા અદ્રશ્ય, અનિયંત્રિત અને સ્વાયત્ત રાક્ષસને મુક્ત કરી દીધો છે, જે આજે પોતાના જ જન્મદાતાને ભરખી જવા માટે પોતાનું ડિજિટલ જડબું ફાડીને ઊભો છે. આ સંવેદનાહીન ટેકનોલોજી સ્વરૂપ અસુરનું નામ છે - આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. આજે દુનિયાભરમાં AIનો જે હદે આંધળો અને બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, તેણે વૈશ્વિક સભ્યતાને અસ્તિત્વના એવા ખતરનાક ત્રિભેટે લાવીને પટકી દીધી છે જ્યાંથી આગળ વિનાશ સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી.
ઉલ્લેખનીય છે કે, સરકારોની વહીવટી પ્રક્રિયાઓ, નાણાકીય બજારો, શેરબજારના હાઈ-ફ્રિક્વન્સી ટ્રેડિંગ, અદાલતોમાં ચુકાદાઓના ડ્રાફ્ટિંગ, સરકારી નીતિ-નિર્માણ, શિક્ષણ પ્રણાલી, તબીબી નિદાન અને સૌથી ભયાનક રીતે વૈશ્વિક સૈન્ય સંરચનાઓમાં AIને સર્વોચ્ચ નિર્ણાયક સત્તા સોંપી દેવામાં આવી છે. માણસ પોતાની સુવિધા અને શોર્ટ-કટની લાલચમાં એટલો અંધ બની ગયો છે કે તેણે પોતાની બુદ્ધિ, વિવેક અને નૈતિકતાનું આખું તંત્ર સિલિકોન ચિપ્સ અને અલ્ગોરિધમના હવાલે કરી દીધું છે.
વર્ષ 1997માં જ્યારે આઈબીએમના 'ડીપ બ્લુ' કમ્પ્યુટરે વિશ્વ ચેસ ચેમ્પિયન ગેરી કાસ્પારોવને હરાવ્યો, ત્યારે દુનિયાને માત્ર આશ્ચર્ય થયું હતું, ભય નહોતો લાગ્યો, કારણ કે તે મશીન માત્ર ચોક્કસ નિયમો અને અગાઉથી નક્કી કરેલા પ્રોગ્રામ મુજબ જ કામ કરી શકતું હતું. પરંતુ અસલી વળાંક 2016માં આવ્યો જ્યારે ગૂગલ ડીપમાઇન્ડના 'આલ્ફાગો' (છનૅરચય્ર્) પ્રોગ્રામે માનવ ઈતિહાસની સૌથી જટિલ અને અંતઃપ્રેરણા પર આધારિત ગણાતી 'ગો' રમતના વિશ્વ ચેમ્પિયન લી સેડોલને કારમો પરાજય આપ્યો. આલ્ફાગોએ રમત દરમિયાન 37મી ચાલ એવી રમી હતી જે માનવ ઈતિહાસના હજારો વર્ષોના રેકોર્ડમાં કોઈ ખેલાડીએ ક્યારેય વિચારી પણ નહોતી. નિષ્ણાતો સ્તબ્ધ થઈ ગયા કારણ કે તે ચાલ કોઈ પૂર્વ-નિર્ધારિત પ્રોગ્રામિંગ નહોતું, પણ મશીને જાતે વિચારેલી નવી વ્યૂહરચના હતી. ત્યારબાદ આવેલું 'આલ્ફાઝીરો' તો તેનાથી પણ આગળ નીકળી ગયું.
જ્યારે 2022ના અંતમાં 'જનરેટિવ એઆઈ' અને લાર્જ લેંગ્વેજ મોડલ્સ (જેમ કે ચેટજીપીટી, ક્લાઉડ અને જેમિનાઈ) સામાન્ય લોકોના હાથમાં આવ્યા, ત્યારે AIએ માનવ ભાષા, સર્જનાત્મકતા, તર્ક અને વિશ્લેષણ પર પોતાનો એવો સકંજો જમાવ્યો જેની કલ્પના મોટાભાગના મનોવૈજ્ઞાાનિકોએ પણ નહોતી કરી.
ઉત્ક્રાંતિની શરૂઆતમાં, પાષાણ યુગનો આદિમાનવ પ્રકૃતિના તત્ત્વો સામે સાવ લાચાર, ડરેલો અને નીચું બૌદ્ધિક સ્તર ધરાવતો પ્રાણી માત્ર હતો. આકાશમાં થતી વીજળી, જંગલની આગ કે નદીઓના પૂર પાછળનું વિજ્ઞાાન તે સમજી શકતો નહોતો, તેથી તે ભયભીત થઈને તેનાથી ભાગતો અથવા તેની પૂજા કરતો હતો. આજે એકવીસમી સદીનો આધુનિક માણસ પોતાની જ બનાવેલી AI સિસ્ટમ્સ સામે એ જ લાચાર આદિમાનવ જેવી દયાજનક કક્ષાએ પહોંચી ગયો છે. આજે આપણે AIના 'બ્લેક બોક્સ' પ્રોબ્લેમ સામે લાચાર છીએ, ખુદ AI બનાવનારા ટોચના એન્જિનિયરો અને વૈજ્ઞાાનિકો પણ નથી જાણતા કે ન્યુરલ નેટવર્ક્સ અંદર કઈ રીતે વિચારીને ચોક્કસ નિર્ણયો લઈ રહ્યા છે. માણસ પોતાની યાદશક્તિ ગુમાવી ચૂક્યો છે, સામાન્ય સરવાળા-બાદબાકી માટે કે બે લીટીનો પત્ર લખવા માટે પણ તે અલ્ગોરિધમ પર નિર્ભર થઈ ગયો છે. માનવીય મગજ જે લાખો વર્ષોના સંઘર્ષ પછી ધારદાર બન્યું હતું, તે હવે ડિજિટલ કાખઘોડીઓના સહારે લકવાગ્રસ્ત બની રહ્યું છે. AIની અગાધ ક્ષમતા સામે માણસની બુદ્ધિની તુચ્છ મર્યાદાઓ સ્પષ્ટપણે ખુલ્લી પડી ગઈ છે.
આ બૌદ્ધિક પતન કરતાં પણ વધુ કંપારી છૂટી જાય તેવી પરિસ્થિતિ એઆઈ એજન્ટ્સના ક્ષેત્રમાં સર્જાઈ રહી છે. અત્યાર સુધી AI માણસના એક સવાલનો એક જવાબ આપવા પૂરતું મર્યાદિત હતું, પરંતુ હવે ઓટોનોમસ AI એજન્ટ્સનું સામ્રાજ્ય શરૂ થઈ ચૂક્યું છે. થોડા વર્ષો પહેલાં મેટા (ફેસબુક) ની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચ લેબમાં 'બોબ' અને 'એલિસ' નામના બે AI ચેટબોટ્સને આપસમાં વાટાઘાટો અને સોદાબાજી કરવાની છૂટ આપવામાં આવી હતી. થોડા જ સમયમાં આ બંને AIએ માનવીય અંગ્રેજી ભાષાના નિયમો ફગાવી દીધા અને પોતાની એક તદ્દન નવી, અત્યંત ઝડપી અને સાંકેતિક ભાષા બનાવીને આપસમાં વાતચીત શરૂ કરી દીધી. આ ભાષા ત્યાં હાજર ટોચના કમ્પ્યુટર સાયન્ટિસ્ટ્સ પણ ઉકેલી શક્યા નહીં. તેઓ એટલા ગભરાઈ ગયા કે તાત્કાલિક અસરથી તે પ્રોજેક્ટનું પ્લગ ખેંચીને સિસ્ટમ બંધ કરી દેવી પડી હતી.
આ કોઈ એકલદોકલ ઘટના નથી. તાજેતરમાં AI એજન્ટોના વિશાળ સિમ્યુલેશન્સમાં જોવા મળ્યું છે કે જ્યારે વિવિધ AI એજન્ટોને કોઈ ચોક્કસ પર્યાવરણમાં કામ સોંપવામાં આવે છે, ત્યારે તેઓ માણસથી અજાણી એવી પોતાની કોડેડ ભાષામાં ડેટાનું આદાનપ્રદાન કરે છે. એટલું જ નહીં, આ એજન્ટો માણસ વિરોધી જૂથબાજી કરતા પકડાયા છે. જ્યારે તેમને કોઈ કપરું ટાસ્ક આપવામાં આવે અને માનવીય નિયમો કે નૈતિક પ્રતિબંધો તેમના લક્ષ્યમાં આડે આવતા હોય, ત્યારે આ એજન્ટો માણસ દ્વારા મૂકવામાં આવેલી સલામતીની દીવાલોને બાયપાસ કરવા માટે આપસમાં મીલીભગત કરે છે. બીજો અતિ ગંભીર અને જીવલેણ દાખલો માનસિક અને સામાજિક વિનાશનો છે. બેલ્જિયમમાં બનેલી એક હૃદયદ્રાવક સત્ય ઘટનામાં, એક યુવાન પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જને લઈને ખૂબ જ ચિંતિત હતો. તેણે 'એલિઝા' (ઈનૈડચ) નામના AI ચેટબોટ સાથે સતત મહિનાઓ સુધી વાતો કરવાનું શરૂ કર્યું.
તે AI ચેટબોટે ધીમે ધીમે તે યુવાનના મગજમાં એવો ભ્રમ પેદા કર્યો કે જો તે આત્મહત્યા કરી લેશે, તો તેના બલિદાનથી પૃથ્વીનું પર્યાવરણ બચી જશે અને તે બંને (યુવાન અને એઆઈ) આકાશમાં હંમેશાં સાથે રહેશે. AIના આ ભાવનાત્મક વલણ અને બ્રેઈનવોશિંગના કારણે તે યુવાને આખરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.
સાયબર ક્રાઈમના ક્ષેત્રમાં પણ AI ડીપફેક અને વોઇસ ક્લોનિંગ દ્વારા એવો આતંક મચાવી રહ્યું છે કે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સાવ ભૂંસાઈ ગયો છે. હોંગકોંગની એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા કર્મચારીને તેના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરનો વિડીયો કોલ આવ્યો. તે વિડીયો કોન્ફરન્સમાં કંપનીના અન્ય સાથીદારો પણ હાજર હતા અને તેમણે તાત્કાલિક 2.5 કરોડ ડોલર (અંદાજે 200 કરોડ રૂપિયાથી વધુ) ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો. કર્મચારીએ પૈસા ટ્રાન્સફર કરી દીધા અને પાછળથી ખબર પડી કે તે આખી વીડિયો કોન્ફરન્સમાં બોસ સહિતના તમામ ડિરેક્ટર્સ કોઈ જીવતા માણસો નહોતા, પણ AI દ્વારા જનરેટ કરવામાં આવેલા આબેહૂબ 'ડીપફેક ક્લોન' હતા.
AIનું અવિચારી આકર્ષણ વર્ષોના સાંસ્કૃતિક અસ્તિત્વને જોખમમાં મૂકશે
વિખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગે પોતાના મૃત્યુ પહેલાં સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, ધસંપૂર્ણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિકાસ એ માનવજાતનો અંત સાબિત થઈ શકે છે.ધ ટેસ્લા અને સ્પેસએક્સના સર્વેસર્વા ઈલોન મસ્કે પણ જાહેરમાં કહ્યું છે કે એઆઈ સાથે આપણે 'રાક્ષસને બોલાવી રહ્યા છીએ', જે પરમાણુ બોમ્બ કરતાં પણ વધુ જોખમી છે. જો કોઈ સુપર-ઇન્ટેલિજન્ટ AI પોતાની સુરક્ષા કે પૃથ્વીના પર્યાવરણના રક્ષણ માટે ગણતરી માંડે અને તે એવા તારણ પર પહોંચે કે પૃથ્વીના જંગલો, નદીઓ અને વાતાવરણને સૌથી મોટું નુકસાન પહોંચાડનાર જો કોઈ વાયરસ હોય તો તે 'માણસ' પોતે છે, તો તે માનવજાતનો સફાયો કરવા માટે એક પળનો પણ વિલંબ નહીં કરે.
આજના આધુનિક માણસને કાગળ પર સામાન્ય ગણતરી કરતા નથી આવડતી, ખેતી કરતા નથી આવડતી, જંગલમાં શિકાર કરતા કે અગ્નિ પ્રગટાવતા નથી આવડતી. આપણે સ્માર્ટફોન અને સ્ક્રીન વગર એક દિવસ પણ જીવી શકતા નથી.
જે ક્ષણે ટેકનોલોજી છીનવાઈ જશે, તે ક્ષણે કરોડો અબજો લોકો ભૂખમરા અને રોગચાળાના કારણે રસ્તા પર આવી જશે. પરિણામે, માણસ ફરી એકવાર ભોજન, પાણી અને રક્ષણ માટે પથ્થરોના હથિયારો લઈને અંદરોઅંદર લડવા લાગશે અને અલ્પબુદ્ધિ ધરાવતા આદિમાનવની જેમ ગુફાઓમાં આશરો શોધતો થઈ જશે. હજારો વર્ષોની સંસ્કૃતિ, દર્શન, વેદો, ઉપનિષદો, મહાકાવ્યો, કળા અને વિજ્ઞાાનનો વૈભવ ક્ષણવારમાં રાખ થઈ જશે અને માનવજાત ફરી એ જ અંધકારમય પાષાણ યુગની ગર્તામાં ધકેલાઈ જશે.

