અચાનક વધારે બિલ આવે તો શું કરવું? આ રીતે ઘરે જ ચકાસો મીટરની ગડબડ

વીજળીનું બિલ સહેજ પણ વધી જાય તો તે ઘરનું આખું બજેટ ખોરવી નાખે છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં બધા ઘરોમાં એસી અને કૂલર દિવસ-રાત ચાલવાથી બિલ વધુ આવવું સામાન્ય બાબત છે, પરંતુ જો તમને એવું લાગતું હોય કે તમે વીજળીનો એટલો વપરાશ નથી કરી રહ્યા જેટલું બિલ આવી રહ્યું છે, તો તેને નજરઅંદાજ ન કરો. ઘણીવાર મીટરમાં કોઈ ખામી પણ આનું કારણ હોઈ શકે છે. એવામાં અહીં જાણો કેટલીક ટિપ્સ, જેની મદદથી મીટરની તપાસ કરી શકાય છે.
MCB ટેસ્ટ: વીજ મીટરની યોગ્ય રીતે તપાસ કરવા માટે તમારે સૌથી પહેલા મેઈન MCBને બંધ કરી દેવાની છે. જો MCB બંધ થયા પછી પણ મીટરની લાઈટ ચાલુ રહે તો તે ગડબડનો સંકેત છે. વળી, જો લાઈટ બંધ થઈ જાય તો ઘણીવાર ગડબડનું કારણ વાયરિંગ લીકેજ હોય છે.
શરૂઆતનું અને છેલ્લું રીડિંગ જુઓ: બીજા સ્ટેપમાં મીટર બંધ થઈ ગયા પછી તેનું શરૂઆતનું રીડિંગ કાગળ પર નોંધી લેવું. ત્યારબાદ 1000 વોટનો કોઈ લેમ્પ અથવા હીટર એક કલાક માટે ચાલુ કરીને રાખી દેવો. જ્યારે 1 કલાક પૂરો થઈ જાય ત્યારે મીટરનું છેલ્લું રીડિંગ ચેક કરો. જો તમને તેમાં 1 યુનિટ એટલે કે 1 કિલોવોટ કલાકનો તફાવત જોવા મળે તો સમજી જવું કે મીટર બરાબર ચાલી રહ્યું છે. જ્યારે મીટરમાં તફાવત વધુ કે ઓછો આવવો તે તેના ઝડપી કે ધીમા ચાલવા વિશે જણાવે છે.
મોબાઈલ એપથી ચેક કરો: આજકાલ સ્માર્ટ મીટર સાથે મોબાઈલ એપની સુવિધા પણ ઉપલબ્ધ છે. કંઈ જ નથી કરવાનું, બસ એપમાં દેખાતા વપરાશની સાથે મીટરના રીડિંગનું મિલાન કરવાનું છે, સાચું અને ખોટું બધું તમારી સામે આવી જશે.
ઇલેક્ટ્રિશિયનને બતાવો: જો આ બધી રીત અપનાવ્યા છતાં તમને સંતોષ ન થાય તો સૌથી સુરક્ષિત રસ્તો એ છે કે ઇલેક્ટ્રિશિયનને બોલાવી લો. આના માટે વીજ કંપનીમાં અરજી આપીને ઘરમાં મીટરની સાથે જ વાયરિંગ લીકેજની પણ યોગ્ય તપાસ કરાવી લો.
વીજળીનો વપરાશ ઘટાડવાની ટિપ્સ: એસીનું તાપમાન હંમેશા 24-26ની વચ્ચે રાખો, આનાથી કમ્પ્રેસર પર ઓછો લોડ રહે છે અને વપરાશ પણ ખૂબ ઓછો થાય છે. વધુ જૂના વીજ ઉપકરણોને બદલીને નવા ઉપકરણોનો ઉપયોગ કરો. જ્યારે પણ રૂમની બહાર નીકળો ત્યારે હંમેશા લાઈટ અને પંખો બંધ કરીને જ નીકળો. જે ઉપકરણોનો ઉપયોગ ઓછો થાય છે તેમને અનપ્લગ (પ્લગમાંથી બહાર) કરી દો.

