2 વર્ષ સુધી કોરોનાથી સંક્રમિત રહેલી વ્યક્તિ! સંશોધકોએ ચોંકાવ્યા
એક નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતો વ્યક્તિ 750 થી વધુ દિવસ સુધી COVID-19 થી સંક્રમિત રહ્યો

એક નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતો વ્યક્તિ 750 થી વધુ દિવસ સુધી COVID-19 થી સંક્રમિત રહ્યો. જે વિશ્વનો સૌથી લાંબો કેસ હતો. અમેરિકન સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે, આ સંક્રમણ લોંગ COVID ન હતો, પરંતુ SARS-CoV-2 વાયરસનો સક્રિય તબક્કો હતો, જે બે વર્ષથી વધુ સમય સુધી ચાલ્યો હતો.
જેમાં વ્યક્તિને શ્વાસ લેવામાં સતત તકલીફ પડતી હતી. તેને પાંચ વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સંશોધકો ચેતવણી આપે છે કે, આવા લાંબા સમય સુધી ચેપ દરેક માટે જોખમકારક રહે છે, કારણ કે તે વાયરસમાં ખતરનાક પરિવર્તન થઈ શકે છે. આ અભ્યાસ ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયો હતો.
દર્દીની સ્થિતિ અને ચેપ કેવી રીતે આટલો લાંબો સમય ચાલ્યો?
આ 41 વર્ષીય વ્યક્તિ એડવાન્સ્ડ HIV-1 થી પીડાઈ રહ્યો હતો. તે મે-2020 ના મધ્યમાં SARS-CoV-2 થી સંક્રમિત થયો હતો. એ સમયે તે એન્ટિરેટ્રોવાયરલ થેરાપી (ARV) લઈ રહ્યો ન હતો અને મેડીકલ સારવાર પણ નહોતી મળી રહી. તેના લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને નબળાઈનો સમાવેશ થતો હતો.
દર્દીના લોહીમાં માત્ર 35 કોષો જ હતા
તેની નબળી રોગપ્રતિકારક શક્તિનું મુખ્ય કારણ CD4 T-કોષોની સંખ્યા ઓછી હતી. એક સામાન્ય વ્યક્તિમાં પ્રતિ માઈક્રોલિટર લોહીમાં 500 થી 1,500 કોષો હોય છે, પરંતુ તેના લોહીમાં માત્ર 35 કોષો હતા. આનાથી વાયરસ તેના શરીરમાંથી બહાર નીકળી શકતો ન હતો અને 750 દિવસ એટલે કે લગભગ બે વર્ષ સુધી સક્રિય રહ્યો હતો. માર્ચ 2021 થી જુલાઈ 2022 દરમિયાન લેવામાં આવેલા વાયરલ નમૂનાઓના આનુવંશિક વિશ્લેષણ દ્વારા જાણવા મળ્યું કે વાયરસ સતત પરિવર્તનશીલ હતો.
બોસ્ટન યુનિવર્સિટીના બાયોઇન્ફોર્મેટિશિયન જોસેલિન વેલાસ્ક્વેઝ-રેયસ અને તેમની ટીમે શોધી કાઢ્યું કે, દર્દીમાં વાયરસનો પરિવર્તન દર સમુદાયિક સ્તર પર થતા પરિવર્તનો જેવો જ હતો. જેમાં ખાસ વાત એ છે કે, સ્પાઇક પ્રોટીનમાં પરિવર્તન ઓમિક્રોન વેરિઅન્ટમાં થતા પરિવર્તનોથી મળતો આવતો હતો. એટલે તેનો અર્થ એ છે કે, એક વ્યક્તિમાં વાયરસમાં તે જ ફેરફારો થયા જે પાછળથી ઓમિક્રોન જેવા ઝડપથી ફેલાતા વેરિયન્ટ જોવા મળ્યા.
આ કેસ લોંગ કોવિડથી કેમ અલગ છે?
લોંગ કોવિડ એ એવી સ્થિતિ છે, જેમાં વાયરસ શરીરમાંથી જતો રહે છે, પરંતુ તેના લક્ષણો જેમ કે, થાક લાગવો અને શ્વાસ લેવામાં તકલીફ પડવી એ લાંબા સમય સુધી ચાલુ રહે છે. પરંતુ આ કિસ્સામાં, વાયરસ સક્રિય રહ્યો, તેથી તે તીવ્ર COVID નો લાંબો તબક્કો હતો. આ રેકોર્ડ માત્ર સંવેદનશીલ વ્યક્તિઓ સુધી મર્યાદિત ન હોય તેવું લાગે છે, પરંતુ તેની અસરો દરેકને અસર કરે છે.
'આવા કેસોનું નિરીક્ષણ અને સારવાર જરૂરી'
સંશોધકોનું માનવું છે કે, 'વાયરસ એક જ દર્દીમાં રહેવાથી ઓછો ચેપી બન્યો હતો, અને તેથી તે અન્ય લોકોમાં ન ફેલાયો. પરંતુ દરેક સંક્રમણનો કેસ આવો ન હોય. જો વાયરસ વધુ ચેપી બન્યો હોત તો, ફરીથી મહામારી ફેલાઈ શકી હોત.' તેથી, નિષ્ણાતો કહે છે કે આવા કેસોનું નિરીક્ષણ અને સારવાર જરૂરી છે.








