મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતના આ પ્રજ્ઞાચક્ષુ મહિલાનો અનોખો સંગીતપ્રેમ, 50થી વધુ બાળકોને શીખવે છે સંગીત

Women's Day Special: સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ માછીસાડદા ગામ

Women's Day Special: સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ માછીસાડદા ગામે રહેતા  નમ્રતાબેન પટેલ અનોખા સંગીતપ્રેમી છે. નમ્રતા પટેલ પ્રજ્ઞાચક્ષુ છે, આમ છતાં સંગીતક્ષેત્રે ખુબ આગળ વધીને તેમણે પોતાના ગામ, તાલુકો અને સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં પોતાનું નામ ઉજળું કર્યું છે. 

જન્મથી જોઈ ન શકનારા નમ્રતાબેન સંગીતક્ષેત્રે ખુબ આગળ વધ્યા

આદિવાસી સમાજમાંથી આવતા નમ્રતાબેન  પટેલ સામાન્ય પરિવારમાં જન્મ્યા છે. તેઓ જન્મથી પ્રજ્ઞાચક્ષુ હતા. નમ્રતાબેન મોટા થયા ત્યારે પરિવારને જાણ થઈ હતી કે તેઓ બંને આંખે જોઈ શકતા નથી. આમ છતાં તેમના માતા-પિતાએ તેમને અભ્યાસ કરાવ્યો અને આજે તેઓ સંગીતક્ષેત્રે ખુબ આગળ વધ્યા છે અને સંગીત શિક્ષક તરીકે કાર્યરત છે. 

સંગીત વિશારદ સુધીનો અભ્યાસ કરી આજે સંગીત શિક્ષક તરીકે કાર્યરત  

નમ્રતાબેને  સંગીત વિશારદનો અભ્યાસ કર્યો છે અને આજે ધરમપુરના બોપી ખાતે સંગીત શિક્ષક તરીકે 50થી વધુ બાળકોને સંગીતનો અભ્યાસ કરાવી રહ્યા છે. 

સંઘર્ષમય જીવનમાં અને સફળતામાં પરિવારનો સિંહફાળો 

પ્રજ્ઞાચક્ષુ નમ્રતાબેનનું જીવન ઘણું સંઘર્ષમય રહ્યું છે. તેમના સંઘર્ષ અને સફળતામાં પરિવારનો પણ સિંહફાળો રહ્યો છે. નમ્રતાબેનને સમાજમાં જાહેરજીવનમાં માનભેર લાવવા તેમની માતાએ એક બહેન અને મિત્ર બનીને મદદ કરી હતી. 

દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ લોકોને દયાની નહીં,  પરંતુ તકની જરૂર : નમ્રતાબેન

નમ્રતાબેને સમાજને સંદેશો પણ આપ્યો છે કે તેમના જેવા દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ લોકોને દયાની નહીં,  પરંતુ તકની જરૂર છે. સમાજના લોકોએ દિવ્યાંગોમાં રહેલી કાર્યશક્તિ અને કળાને ઉપર લાવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. 

આ સમાચાર શેર કરો