પાલતુ કૂતરાના ચાટવાથી મહિલાને થયો આ જીવલેણ રોગ; હાથ-પગ કાપવા પડ્યા
પાલતુ પ્રાણીઓ સાથે પ્રેમભરી મજાક-મસ્તી કરવી સામા

પાલતુ પ્રાણીઓ સાથે પ્રેમભરી મજાક-મસ્તી કરવી સામાન્ય બાબત છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તમારી આ આદત ભયાનક પરિણામો પણ લાવી શકે છે. યુનાઇટેડ કિંગડમના 52 વર્ષીય મનજીત સંઘા સાથે પણ કંઈક આવું જ થયું, જ્યારે તેમના પાલતુ કૂતરાએ તેમના શરીર પરના એક નાના ઘા અથવા ઉઝરડાને ચાટી લીધો. જેના કારણે ગણતરીના દિવસોમાં જ તેમની હાલત એટલી ગંભીર થઈ ગઈ કે તેમને પોતાના બંને હાથ અને બંને પગ કપાવવા પડ્યા. જે સેપ્સિસ (Sepsis) નામના ગંભીર ચેપને કારણે બની હતી. ચાલો આ રોગ વિશે વિગતવાર જાણીએ...
સેપ્સિસ શું છે અને તે કેવી રીતે ફેલાય છે?
સેપ્સિસ એ એક એવી સ્વાસ્થ્ય સ્થિતિ છે જેમાં ચેપ સામે આપણા શરીરની પ્રતિક્રિયા એટલી આક્રમક બની જાય છે કે રોગપ્રતિકારક શક્તિ તંદુરસ્ત પેશીઓ અને અંગોને પણ નુકસાન પહોંચાડવા લાગે છે. આ ચેપની શરૂઆત તીવ્ર તાવ, શ્વાસ લેવામાં તકલીફ, હૃદયના ધબકારા વધવા, થાક અને ત્વચા પર લાલ ડાઘ જેવા સંકેતોથી થઈ શકે છે. જો તેની વહેલી ઓળખ ન થાય, તો તે 'સેપ્ટિક શોક'માં ફેરવાઈ શકે છે, જેનાથી બ્લડ પ્રેશર જોખમી સ્તર સુધી ઘટી જાય છે અને ઘણા કિસ્સાઓમાં અંગો નિષ્ફળ (Organ failure) પણ જઈ શકે છે.
સેપ્સિસના લક્ષણો
ખૂબ તીવ્ર તાવ આવવો અથવા શરીરનું તાપમાન ઘણું નીચું જવું
હૃદયના ધબકારા તેજ થવા
ત્વચા પર લાલ કે ઘાટા રંગના ડાઘ પડવા
શ્વાસ લેવામાં તકલીફ પડવી
બ્લડ પ્રેશર ઓછું થઈ જવું
અસહ્ય દુખાવો અથવા બેચેની
ખૂબ વધારે થાક લાગવો
કૂતરાનું ચાટવું કેવી રીતે જીવલેણ બન્યું?
કૂતરાની લાળમાં અનેક પ્રકારના બેક્ટેરિયા હોઈ શકે છે. તેમાંથી એક Capnocytophaga canimorsus નામનો બેક્ટેરિયા કૂતરાઓમાં સામાન્ય રીતે જોવા મળે છે, જે કૂતરાઓને કોઈ નુકસાન પહોંચાડતો નથી પરંતુ મનુષ્યોમાં તે ગંભીર ચેપનું કારણ બની શકે છે. જ્યારે કૂતરો કોઈ કટ, ઉઝરડા કે ખુલ્લી ત્વચા પર ચાટે છે, ત્યારે આ લાળ દ્વારા બેક્ટેરિયા લોહીમાં પ્રવેશી જાય છે. આ કિસ્સામાં પણ ડોક્ટરોનું માનવું છે કે કૂતરાની લાળમાંથી આ બેક્ટેરિયા મહિલાના લોહીમાં પહોંચ્યા અને તેના માટે જીવલેણ સાબિત થયા.






