મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાબરકાંઠામાં જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે રવિવારે મતદાન, સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત

VIDEO: સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ

તસવીર: GSTV

VIDEO: સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયતો અને 3 નગરપાલિકાઓની બેઠકો માટે આગામી 26 એપ્રિલ, રવિવારના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયાને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

બેઠકોનું ગણિત અને મતદાન મથકો
ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, જિલ્લા પંચાયતની 34 બેઠકો અને 8 તાલુકા પંચાયતની 170 બેઠકો પર રવિવારે સવારથી મતદાન શરૂ થશે. આ ઉપરાંત 3 નગરપાલિકાઓ માટે પણ શ્રદ્ધાળુઓ અને નાગરિકો ઉત્સાહપૂર્વક મતદાન કરશે. જિલ્લાના કુલ 1347 મતદાન મથકો પર આશરે 10.36 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ પર્વમાં સહભાગી બનશે.

સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત
ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ 4 ડી.વાય.એસ.પી. અને 1 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ખાસ કરીને સંવેદનશીલ ગણાતા મતદાન મથકો પર વધારાની પોલીસ ફોર્સ અને એસ.આર.પી.ની ટુકડીઓ તૈનાત રાખવામાં આવી છે જેથી મતદારો કોઈપણ પ્રકારના ભય વગર મતદાન કરી શકે.

તંત્રની અપીલ
અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલાએ જણાવ્યું હતું કે, ચૂંટણી માટે જરૂરી તમામ ઈવીએમ મશીનો અને સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે. ઉનાળાની ગરમીને જોતા મતદાન મથકો પર છાંયડા અને પીવાના પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો