VIDEO: મધ્યપ્રદેશના જબલપુરમાં ગોઝારી ઘટના! બરગી ડેમમાં ક્ષમતા કરતાં વધુ પ્રવાસીઓ ભરેલી ક્રૂઝ પલટી, 9નાં મોત, 6 ગુમ
VIDEO: મધ્યપ્

VIDEO: મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલા પ્રખ્યાત પ્રવાસન સ્થળ બરગી ડેમમાં આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. પર્યટકોથી ખીચોખીચ ભરેલી એક ક્રૂઝ અચાનક પાણીમાં પલટી જતાં અત્યાર સુધીમાં 9 લોકોનાં કરૂણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટના પાછળનું પ્રાથમિક કારણ ક્રૂઝમાં ક્ષમતા કરતાં વધુ પ્રવાસીઓને બેસાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
જાણો આખો મામલો
મળતી માહિતી મુજબ, વીકેન્ડ હોવાથી બરગી ડેમ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. પ્રવાસીઓને ડેમની સૈર કરાવતી એક ક્રૂઝમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ લોકોને સવાર કરવામાં આવ્યા હતા. મુસાફરોનો ભાર વધી જતાં સંતુલન બગડ્યું અને ક્રૂઝ મધ્યધારમાં પલટી ગઈ હતી. પાણીમાં ડૂબતા લોકોની ચીસાચીસથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
રૅસ્ક્યૂ ઓપરેશન અને તપાસ
ઘટનાની જાણ થતા જ SDRF અને સ્થાનિક વહીવટીતંત્રનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી અત્યાર સુધીમાં 9 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ અનેક લોકો લાપતા હોવાથી ગુમ થયેલા લોકોની શોધખોળ માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, પાણીમાં ફસાયેલા લોકોની સંખ્યા વધુ હોવાથી મૃત્યુઆંક હજુ પણ વધી શકે તેવી આશંકા છે.
હોસ્પિટલમાં દાખલ કરાયેલા ઈજાગ્રસ્તોની સ્થિતિ પણ નાજુક જણાવવામાં આવી રહી છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રવાસીઓને ક્રૂઝમાં બેસાડવામાં આવ્યા હતા, જે આ મોટી હોનારતનું મુખ્ય કારણ બન્યું છે.




