VIDEO: કાળઝાળ ગરમીમાં કેશોદમાં પાણી 5ના બદલે 9 દિવસે મળતા શહેરીજનોમાં ભારે રોષ
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કેશોદ શહેરમાં પાણી સમસ્યા ગંભીર બની રહી
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કેશોદ શહેરમાં પાણી સમસ્યા ગંભીર બની રહી છે. 5 દિવસે મળતું પાણી હવે 8 થી 9 દિવસે મળતાં શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણી સપ્લાય મોડી થવાના કારણે લોકોને પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બનવું પડી રહ્યું છે. જેના કારણે શહેરીજનોને પાણી માટે પણ ખર્ચ કરવાનો વધારાનું ભાર સહન કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને મહિલાઓમાં આ મુદ્દે નારાજગી વધુ જોવા મળી રહી છે. નગરપાલિકા પાણી પુરવઠો સુધારવાના દાવા કરી રહી છે, પરંતુ હાલ સ્થિતિ ચિંતાજનક છે.
કેશોદ શહેરમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે પાણીની તંગીના કારણે દિવસે ને દિવસે વિકટ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. અગાઉ 5 દિવસે પાણી વિતરણ કરાતું હતું અને હવે 8 થી 9 પાણી આપવામાં આવતાં લોકોના દૈનિક જીવન પર તેની ગંભીર અસર પડી રહી છે. લોકોની પીવાના પાણીથી લઈને રોજિંદા ઉપયોગ માટે પણ તંગી જોવા મળી રહી છે. લોકો પાસે પાણી સંગ્રહ કરવા પૂરતાં સાધનો ન હોય જેને લઈ લાંબા સમયે પાણી આવતાં ઘણા પરિવારોને ખાનગી ટેન્કરો મંગાવવા પડી રહ્યાં છે. ખાસ કરીને મહિલાઓ માટે પાણી ભરવા, સંગ્રહ કરવા અને ઘરકામ સંભાળવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં મહિલાઓમાં આ સમસ્યાને લઈને રોષ જોવા મળી રહ્યો છે.



