VIDEO: ગાંધીનગરમાં કિસાન સંઘનું શક્તિ પ્રદર્શન મોકૂફ: સરકાર સાથે 12 મુદ્દે સહમતી સધાતા આંદોલનના તંબુ નહીં તણાય
VIDEO
VIDEO: ગાંધીનગરમાં 12 જાન્યુઆરીએ યોજાનાર ભારતીય કિસાન સંઘનું ભવ્ય શક્તિ પ્રદર્શન છેલ્લી ઘડીએ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કિસાન સંઘના પ્રદેશ નેતૃત્વએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, સરકાર સાથેની સકારાત્મક વાટાઘાટો બાદ આ નિર્ણય લેવાયો છે. જોકે, આ નિર્ણય બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને કિસાન કોંગ્રેસે સંઘ પર ગંભીર આક્ષેપો કર્યા છે.
12 મુદ્દાઓ પર સહમતીનો દાવો
કિસાન સંઘના નેતાઓએ જણાવ્યું કે, મુખ્યમંત્રી સાથે થયેલી બેઠકમાં ખેડૂતોની વિવિધ 12 માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અગાઉ આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી 70 હજારથી વધુ ખેડૂતો ઉમટી પડવાના હતા, પરંતુ સરકારે પ્રશ્નોના નિરાકરણ માટે આશ્વાસન આપતા આંદોલન હાલ પૂરતું સ્થગિત કરાયું છે. સંઘે ઉમેર્યું કે આગામી દિવસોમાં સરકાર સાથે વધુ બેઠકો યોજીને પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયાસ કરાશે.
સુરક્ષા અને પ્રોટોકોલનું કારણ
આંદોલન મોકૂફ રાખવા પાછળ એક મહત્વનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલરનો ગાંધીનગરનો પ્રસ્તાવિત કાર્યક્રમ પણ હોવાનું સામે આવ્યું છે. 12 જાન્યુઆરીએ વીવીઆઈપી મૂવમેન્ટ હોવાથી સુરક્ષા અને પ્રોટોકોલ જળવાઈ રહે તે માટે અધિકારીઓએ કિસાન સંઘને અપીલ કરી હતી, જેને ગ્રાહ્ય રાખવામાં આવી છે.
કિસાન કોંગ્રેસના પ્રહાર
"પીઠમાં ખંજર ભોંક્યું" બીજી તરફ, કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ આ નિર્ણયની આકરી ટીકા કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે કિસાન સંઘે હંમેશની જેમ ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે. આંબલિયાએ પ્રશ્ન કર્યો કે, "જો સરકારે 12 માંગણીઓ સ્વીકારી છે, તો તે કઈ માંગણીઓ છે અને તેનો લેખિત પુરાવો ક્યાં છે? કિસાન સંઘે સરકારી અને ખાનગી વીજ કંપનીઓ સાથે મળીને કુલડીમાં ગોળ ભાંગ્યો છે." કોંગ્રેસે માંગ કરી છે કે કિસાન સંઘે સ્વીકારાયેલી માંગણીઓની વિગતો જાહેર કરવી જોઈએ.




