મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો માસ્ટર પ્લાન: ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે વેકેશનમાં શરૂ થશે ખાસ કોચિંગ ક્લાસ

VIDEO: અમદાવાદ મ્યુનિસ

VIDEO: અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ) દ્વારા શિક્ષણનું સ્તર સુધારવા અને ગરીબ તથા મધ્યમ વર્ગના બાળકો ખાનગી ટ્યુશનના ભાર વગર બોર્ડની પરીક્ષામાં સફળ થાય તે માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલ બોર્ડ દ્વારા ચાલુ વર્ષથી શરૂ કરવામાં આવેલી ધોરણ-9ની શાળાઓના વિદ્યાર્થીઓ જ્યારે આગામી વર્ષે ધોરણ-10માં પ્રવેશ કરશે, ત્યારે તેમને ઉનાળુ વેકેશનમાં જ બોર્ડની પરીક્ષાની ખાસ તાલીમ આપવામાં આવશે.

350 વિદ્યાર્થીઓ માટે ખાસ રોડમેપ

સ્કૂલ બોર્ડ દ્વારા શહેરમાં કુલ 8 શાળાઓમાં ધોરણ-9 શરૂ કરવામાં આવ્યું છે, જેમાં હાલ 350 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ વર્ષ 2026-27માં બોર્ડની પરીક્ષા આપવાના છે. આ બાળકોનું પરિણામ 100% આવે અને તેઓ ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરે તે હેતુથી ચેરમેન સુજોય મહેતાના માર્ગદર્શન હેઠળ એક ખાસ 'રોડમેપ' તૈયાર કરવામાં આવ્યો છે.

પ્રેક્ટિસ અને પેપર સોલ્યુશન પર ભાર

સામાન્ય રીતે ઉનાળાના વેકેશનમાં શાળાઓ બંધ રહેતી હોય છે, પરંતુ આ વર્ષે મ્યુનિ. સ્કૂલોમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ વર્ગો ચલાવવામાં આવશે. જેમાં: ધોરણ-10ના મુખ્ય વિષયોની પાયાની સમજ આપવામાં આવશે. બોર્ડની પરીક્ષાની પદ્ધતિ મુજબ પેપર લખવાની પ્રેક્ટિસ કરાવવામાં આવશે.વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા માટે વધુમાં વધુ રિવિઝન અને પ્રશ્નપત્ર ઉકેલ પર ભાર મુકાશે.

ચેરમેનનું નિવેદન

આ અંગે સ્કૂલ બોર્ડના ચેરમેન સુજોય મહેતાએ જણાવ્યું હતું કે, "અમારો મુખ્ય ધ્યેય મ્યુનિસિપલ સ્કૂલના બાળકો ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકે તેવો છે. વેકેશન દરમિયાન આ ખાસ કોચિંગ ક્લાસ દ્વારા અમે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે અત્યારથી જ માનસિક રીતે તૈયાર કરીશું, જેથી અંતિમ પરીક્ષા સમયે તેમના પર દબાણ ન રહે."

આ સમાચાર શેર કરો