Video: અમદાવાદમાં જ્વેલર્સમાં ચોરી કરતી બે મહિલાઓ ઝડપાઈ, ચોરીના કેસમાં જેલવાસ ભોગવ્યા બાદ ફરી ગુનાખોરીનો જ રસ્તો અપનાવ્યો
અમદાવાદના નરોડામાં ગ્રાહક બનીને જ્વેલર્સમાં ચોરી કરતી મહિલાઓ ઝડપાઇ છ
અમદાવાદના નરોડામાં ગ્રાહક બનીને જ્વેલર્સમાં ચોરી કરતી મહિલાઓ ઝડપાઇ છે. પોલીસે રૂપિયા 90 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ગ્રાહક બનીને સોનાના દાગીના ચોરતી આ મહિલાઓની સમગ્ર કરતૂત CCTVમાં કેદ થઈ ગઈ હતી. પોલીસ કસ્ટડીમાં જોવા મળતી મહિલા આરોપી ગીતા દેવીપૂજક અને કોયલ દેવીપુજકની જવેલર્સમાં ચોરી કેસમાં નરોડા પોલીસે ધરપકડ કરી છે.
મહિલા જવેલર્સમાં ચોરી કરતા CCTVમાં કેદ
નરોડા વિસ્તારમાં આવેલી જવેલર્સની દુકાનોને ટાર્ગેટ કરીને ચોરીના બનાવની તપાસ દરમ્યાન નરોડા પોલીસને બાતમી મળી કે નરોડા ગામમાં બે મહિલાઓ સોનાના દાગીના વેચાણ કરવા ફરે છે. જે બાતમીના આધારે બંન્ને મહિલા ચોરને પોલીસે ઝડપી લીધી અને તેની પાસેથી રૂ 90 હજારના ચોરીના દાગીના કબ્જે કર્યા હતા.આ મહિલા જવેલર્સમાં ચોરી કરતા CCTV કેમેરામાં કેદ થઈ હતી. નરોડા પોલીસે ગુનો નોંધી બંન્ને મહિલાઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
આ હતી મોડસ ઓપરેન્ડી
પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા મહિલા ચોર ગીતાબેન અને કોયલબેન કુટુંબીજનો છે.ગીતાબેન મૂળ સુરેન્દ્રનગરની રહેવાસી છે, જ્યારે કોયલબેન મૂળ પોરબંદરની રહેવાસી છે.અને તે એસ જી હાઇવે નજીક રહે છે. આ મહિલાઓ ચોરી કરવાની ટેવ ધરાવે છે. આરોપી ગીતાએ કલોલમાં પણ જવેલર્સમાં ચોરી કરી હતી, જેમાં પકડાયા બાદ જેલમાંથી છૂટીને ફરી ચોરી શરૂ કરી છે. આ આરોપીની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો આ મહિલા આરોપી જવેલર્સની દુકાનમાં ગ્રાહક બની પ્રવેશતી. સોના-ચાંદીના દાગીના જોતા-જોતા સોનીની નજર ચૂકવી તક મળતા જ દાગીના ચોરી લેતી અને સ્થળ પરથી નીકળી જતી હતી. આ પ્રકારે પાંચ દિવસ અગાઉ નરોડામાં જે જે જવેલર્સમાં ચોરી કરી હોવાની આરોપીઓએ કબૂલાત કરી છે. નરોડા પોલીસે મહિલા ચોર પાસેથી 15 સોનાની ચુનીઓ અને 2 સોનાની કાનની કડીઓ કબ્જે કરી છે.પોલીસે મહિલા આરોપીની કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ ની કાર્યવાહી હાથ ધરી છે.







