Video: અમદાવાદમાં 89 લાખની રદ થયેલી નોટો સાથે બે પકડાયા, મુખ્ય સૂત્રધાર સહિત ફરાર આરોપીઓને પકડવા તજવીજ

અમદાવાદમાં નરોડા પોલીસે ગેલેક્સી ચાર રસ્તા પાસેથી કારમાંથી 89 લાખની રદ થયેલી નોટો સાથે

અમદાવાદમાં નરોડા પોલીસે ગેલેક્સી ચાર રસ્તા પાસેથી કારમાંથી 89 લાખની રદ થયેલી નોટો સાથે બે શખ્સોને દબોચી લીધા છે. સરકારે વર્ષો પહેલા બંધ કરેલી 500 અને હજારની નોટો હજુ પણ બજારમાં ફરે છે તે જાણીને પોલીસ પણ દંગ છે. મુખ્ય સૂત્રધાર સહિતના અન્ય સાગરીતો ફરાર થઈ ગયા છે. આ નોટો ક્યાંથી આવી અને ક્યાં જવાની હતી તેને લઈ ને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી અનિલ રબારી અને કૃષ્ણપાલસિંહ સોઢાની અટકાયત કરી છે, જ્યારે લક્ષ્મણ દેસાઈ અને જયેશ પટેલ નામના શખ્સો પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા. હાલ તો પોલીસે ફરાર આરોપીઓની પકડવા તપાસ હાથ ધરી છે.

 નોટોની હેરફેર કરવાના હતા, ત્યારે જ પોલીસ ત્રાટકી 

નરોડા પોલીસની તપાસમાં આ આખા નેટવર્કનો માસ્ટરમાઈન્ડ જિતેન્દ્રસિંહ રાઠોડ હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ખુલ્યું છે કે કૃષ્ણપાલસિંહ, લક્ષ્મણ અને જયેશ પટેલ જિતેન્દ્ર સિંહના ખાસ સાગરીતો છે. તેઓ અમરાઈવાડીના મુકેશ રબારી પાસે જૂની નોટો વટાવવા માટે આપતા હતા. આ વખતે મુકેશ રબારી 89 લાખની નોટો વટાવી શક્યો નહોતો, તેથી તે નોટો જિતેન્દ્ર સિંહને પરત આપવા માટે વાત થઈ હતી, ત્યારે લક્ષ્મણ દેસાઈએ પોતાના ગામના મિત્ર અનિલ રબારીને મુકેશ રબારી પાસે થી એક પાર્સલ લેવા માટે મોકલ્યો હતો.જેમાં આ 89 લાખની રદ થયેલી નોટોની હેરફેર કરવાના હતા, ત્યારે જ નરોડા પોલીસ ત્રાટકી હતી. 

જાહેરાત

સાગરીતોને કમિશન મળતું

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગેંગ અગાઉ પણ બે વખત આવી હેરફેર કરી ચૂકી છે. બે માસ પહેલા 30 લાખ અને તેના એક માસ પહેલા 10 લાખની જૂની નોટો મુકેશ રબારી દ્વારા વટાવી દેવામાં આવી હતી. આ સાગરીતો કૃષ્ણપાલ સિંહ સોઢા, લક્ષ્મણ દેસાઈ અને જયેશ પટેલને એક વખતના ફેરા માટે 15 થી 20 હજાર રૂપિયાનું કમિશન મળતું હતું. હવે સૌથી મોટો સવાલ એ છે કે જિતેન્દ્ર સિંહ રાઠોડ પાસે આટલી મોટી માત્રામાં જૂની નોટો ક્યાંથી આવતી હતી? અને અમરાઈવાડીનો મુકેશ રબારી આ નોટો ક્યાં બદલાવતો હતો? તેને લઈ ને તપાસ હાથ ધરી હતી, ત્યારે નોટબંધીના આટલા વર્ષો પછી પણ લાખોની કિંમતની જૂની નોટો પકડાવી એ અર્થતંત્ર અને સુરક્ષા વ્યવસ્થા માટે ચિંતાનો વિષય છે.  

આ સમાચાર શેર કરો

જાહેરાત