VIDEO: ગુજરાતમાં ત્રણ અકસ્માતમાં ત્રણના મોત, હાઈવે પાર કરતા દિવ્યાંગને ટ્રકે લીધા અડફેટે
ગુજરાતભરમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હોય તેમ રાજ્યભરમાંથઈ અકસ્મ
ગુજરાતભરમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હોય તેમ રાજ્યભરમાંથઈ અકસ્માતોના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ત્રણ અલગ અલગ સ્થળે નોંધાયેલા અકસ્માતોમાં કુલ ત્રણ લોકોના મોત થયાં છે.
વડોદરામાં ટ્રક ચાલકે એક્ટીવાને અડફેટે લીધું
ડભોઇ કનાયડા ગામડી પાસે અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું છે. એક ટ્રક ચાલકે એકટીવા પર જઈ રહેલા યુવાનને અડફેટે લીધો હતો. ગફલત ભરી રીતે ટ્રક હંકારતા ચાલકે એકટીવાને ટક્કર મારતા યુવાન રોડ પર પટકાયો હતો. એકટીવા સાથે પટકાયેલા યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. ગંભીર અકસ્માત સર્જયો હોવાની જાણ થતાં જ ટ્રક ચાલક પોતાનો જીવ બચાવવા ફરાર થઈ ગયો હતો. મોતને ભેટનાર 29 વર્ષીય યુવાન હાર્દિક ભરતભાઈ બારોટ ડભોઇના સાઠોદ ગામનો રહેવાસી હતો. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગરમાં વેગન આર કારે વૃદ્ધને ફંગોળ્યા
ભાવનગર શહેરના નારી ચોકડી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા એક અજાણ્યા વ્યક્તિનું મોત નિપજ્યું હતું. પુરઝડપે આવી રહેલી વેગન આર કારના ચાલકે બાઈક પર સવાર વૃદ્ધને અડફેટે લીધા હતા. જ્યાં ટક્કર લાગતા ત્રણ ચાર ગુલાંટ સાથે ફંગોળાઈ જતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત થતા સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા તેમજ મામલાની જાણ થતાં જ વરતેજ પોલીસ ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઈ હતી.
મહેસાણામાં ઊંઝા હાઇવે પર હિટ એન્ડ રન
મહેસાણા જિલ્લામાં ઊંઝા હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. ઊંઝા હાઈવે પર રાવલ પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક દિવ્યાંગ સહિત અન્ય એક શખ્સ હાઇવે ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન દિવ્યાંગને હાઈવે ક્રોસ કરાવનાર શખ્સે રસ્તો પાર કરી લીધો પરંતુ દિવ્યાંગ ટ્રકની ઝપેટમાં આવી ગયા હતા. શરીર ઉપરથી ટાયર ચડાવીને વાહનચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતનો ભોગ બનેલા અજાણ્યા ઈસમનું મોત થયું છે. હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.






