મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજ્યની આ સ્કૂલમાં 9 વર્ષથી વિદ્યાર્થીઓ કરે છે ખુલ્લામાં અભ્યાસ, સરકાર હવે તો સાંભળો...!

Panchmahal news: શૈક્ષણિક સુવિધાઓની મોટી મોટી વાતો કરતી સરકારે આ બાબત ધ્યાનમાં લેવા જે

Panchmahal news: શૈક્ષણિક સુવિધાઓની મોટી મોટી વાતો કરતી સરકારે આ બાબત ધ્યાનમાં લેવા જેવી છે. છાશવારે શાળાઓમાં ઓરડાઓની જર્જરિત હાલતના અહેવાલો સામે આવતા હોય છે. ભરશિયાળે ફુલ જેવા ભૂલકાઓ કેટલાક વિસ્તારોમાં ખુલ્લામાં બેસીને ભણવા માટે મજબૂર બની રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લામાંથી આવા જ એક સમાચાર સામે આવ્યા છે. જ્યાં શાળામાં ઓરડાની જર્જરિત હાલતને કારણે બાળકો ખુલ્લામાં બેસીને ભણતા જોવા મળી રહ્યા છે. 

મળતી માહિતી પ્રમાણે, અહીં જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં પણ નિષ્ફળ નિવળ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે, વિધાર્થીઓ છેલ્લા નવ વર્ષથી બહાર બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે.

ગોધરા તાલુકાના મોટા તોરણા ગામે આવેલી પ્રાથમિક શાળામાં બાળકો છેલ્લા નવ વર્ષથી બહાર બેસીને શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે સ્માર્ટ ક્લાસરુમ, કોમ્પ્યુટર લેબ્સ સહિત અન્ય મોટી મોટી સુવિધાઓની વાતો કરતી સરકાર ફક્ત સારા ઓરડાનું નિર્માણ કરી આપે એવી સ્થાનિકો તેમજ વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે.

શાળાના બંને ઓરડા બિસ્માર હોવાથી આખી શાળા ઓરડા વગરની બની છે. એવું નથી કે આ માટે રજૂઆતો નથી કરાઈ, શાળાના આચાર્ય દ્વારા નવીન ઓરડા બનાવવા બાબતે પંચમહાલ શિક્ષણ વિભાગને અનેક વખત રજૂઆતો કરી છે પણ સાંભળે કોણ?

શિક્ષણ વિભાગ દ્વારા શાળાના ઓરડા નવ વર્ષ અગાઉ ડીસમેન્ટલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ પણ હજુ સુધી નવા ઓરડા બન્યા નથી. ગરમી હોય, વરસાદ હોય કે પછી ભલેને શિયાળાની કળકળતી ઠંડી જ કેમ ના હોય વિદ્યાર્થીઓ બહાર બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે. 

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ શિહોરી બંધ, વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો

તમને જણાવી દઈએ કે, શાળામાં ધોરણ 1થી 5 સુધીના કુલ 36 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અમારી ટીમ જ્યારે આ સ્થળે પહોંચી ત્યારે કેમેરા સમક્ષ બાળકોએ તો નિડરતાથી નવા ઓરડાની માંગ કરી. પણ શાળાના શિક્ષક કેમરા સમક્ષ બોલવાથી ડર્યા, કારણ કે એમના અધિકારી આ મામલે બોલવાની મનાઈ ફરમાવી ચૂક્યા છે.

આ સમાચાર શેર કરો