Surat: ટેક્સટાઈલ ઉદ્યોગમાં મંદી, કામદારોને સામેથી ટિકિટ ભાડું મોકલી પરત લાવવા માટેની નોબત આવી
સુરતનો ધમધમતો ટેક્સટાઇલ ઉદ્યોગ હાલમાં એક મોટા સંકટનો સામનો કરી રહ્યો છે. દિવાળી પર્વ અને ત્યારબાદ બિહારમાં યોજાયેલી વિધાનસભાની
સુરતનો ધમધમતો ટેક્સટાઇલ ઉદ્યોગ હાલમાં એક મોટા સંકટનો સામનો કરી રહ્યો છે. દિવાળી પર્વ અને ત્યારબાદ બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના કારણે વતન ગયેલા બિહારના કારીગરોની મોટી અછત સર્જાઈ છે. ખાસ કરીને બિહાર ચૂંટણીના કારણે શ્રમિકોના પરત આવવામાં વિલંબ થઈ રહ્યો છે, જેને પગલે ડાઈંગ અને પ્રિન્ટિંગ મિલોનું ઉત્પાદન ખોરવાઈ ગયું છે. લેબરની અછત એટલી હદે વધી છે કે મિલ માલિકોને હવે કામદારોને સુરત પરત લાવવા માટે સામેથી ટિકિટ ભાડું મોકલી આપવાની નોબત આવી છે.
દક્ષિણ ગુજરાત પ્રોસેસિંગ હાઉસ એસોસિયેશનના પ્રમુખ જીતુ વખારિયાએ આ ગંભીર પરિસ્થિતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, બિહારની ચૂંટણી અને છઠ પૂજા જેવા મોટા પર્વને કારણે મોટી સંખ્યામાં કારીગરો ઉધના સ્ટેશન પરથી એક્સ્ટ્રા ટ્રેનો દ્વારા વતન ગયા હતા. યુપીના શ્રમિકો ધીમે ધીમે પરત આવી રહ્યા છે, પરંતુ બિહારની ચૂંટણી 11 તારીખે પૂર્ણ થયા બાદ પણ, ઘણા કારીગરો હજુ પણ પરત ફરવા માટે તૈયાર નથી.
જીતુ વખારિયાના જણાવ્યા અનુસાર, હાલમાં ઓછામાં ઓછા 30%થી વધુ કામદારોની મિલોમાં અછત વર્તાઈ રહી છે.
પરિણામે, જે પ્રિન્ટિંગ મશીન પર સામાન્ય રીતે આઠથી દસ માણસોની જરૂર હોય છે, ત્યાં અત્યારે માંડ ચારથી છ માણસોથી કામ ચાલી રહ્યું છે. વધેલા પગાર છતાં કામદારોનો થાક, લેબરની ગેરહાજરીને પહોંચી વળવા માટે મિલ માલિકોએ એક કામચલાઉ ઉકેલ અપનાવ્યો છે. જે કામદારો રોકાયેલા છે, તેઓ બીજા શ્રમિકોનું પણ કામ કરી લેવા તૈયાર થાય તો માલિકો તેમને વધારાનો એટલે કે ડબલ પગાર આપવા પણ સંમત થયા છે.
તેમણે જણાવ્યું હતું કે,અમે ઇન્ડસ્ટ્રીમાં નક્કી કર્યું છે કે જે કામદાર નથી એની ગેરહાજરીમાં બીજા ડબલ કામ કરતા હોય તો તેમને ડબલ પગાર આપીએ. પણ ત્યાર પછી પણ દરેક માણસની પોતાની કેપેસિટી હોય છે કામ કરવાની,એટલે બે દિવસ કામ કરે, ત્રીજે દિવસે પાછા થાકે. હાલમાં જે રીતે ઇન્ડસ્ટ્રીની પરિસ્થિતિ છે એ જોતા અછત તો ઘણી વધારે છે.











