VIDEO: બીલીમોરામાં ખુલ્લી ગટરમાં પડી 6 વર્ષની બાળકી, યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરાઈ
ચોમાસામાં તમે ઘરની બહાર પગ મુકો છો તો સાચવજો, કેમ કે કોઈ પણ નગરપાલિકા કે કોર્પોરેશને ચોમાસા પણ ખો

ચોમાસામાં તમે ઘરની બહાર પગ મુકો છો તો સાચવજો, કેમ કે કોઈ પણ નગરપાલિકા કે કોર્પોરેશને ચોમાસા પણ ખોદેલા ખાડામાં કદાચ પુરાણ નહીં કર્યું હોય અથવા તો તંત્રની નાકામીને લીધે ખુલ્લી ગટરમાં તમે જીવ પણ ગુમાવી શકો છો. ત્યારે આવી જ એક ઘટના બની છે નવસારીના બીલીમોરામાં, જ્યાં વરસાદમાં પાણી ભરાતા ખુલ્લી ગટરમાં બાળકી પડી ગઈ હતી. જોકે, હાલ તંત્ર દ્વારા માસૂમ બાળકીની યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરવામાં આવી છે. જેસીબીની મદદથી ગટર લાઈન ખોદવાની શરૂઆત કરવામાં આવી છે.
સીસીટીવીમાં બાળકી ખુલ્લી પડેલી ગટરમાં પડતી જોવા મળી
પ્રાપ્ત માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના બીલીમોરામાં સવારથી વરસાદ વરસી રહ્યો હતો. જેના પગલે ઠેર ઠેર પાણી ભરવાના દૃશ્યો સામે આવ્યા હતા. ત્યારે વખારીયા રોડ પર રહેતા શેખ પરિવારની 6 વર્ષીય બાળકી બપોરના સુમારે લાપતા થઈ હતી. પરિણામે માતાપિતા દ્વારા શોધખોળ હાથ ધરી હતી. જોકે, ઘણા સમય બાદ પણ કોઈ પતો ન મળતા આસપાસના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં સીસીટીવીમાં બાળકી ખુલ્લી પડેલી વરસાદી ગટરમાં પડતી જોવા મળી હતી.
ફાયરબ્રિગેડની 6 ટીમો બનાવી બાળકીની શોધખોળ હાથ ધરાઈ
બીજી તરફ બાળકી ગટરમાં પડવાની ઘટના બાદ ફાયરબ્રિગેડ દ્વારા હાલ 6 ટીમો બનાવી બાળકીની શોધખોળ હાથ ધરાઈ છે. જેસીબીની મદદથી ગટર લાઈન ખોદવાની શરૂઆત કરવામાં આવી છે. બીલીમોરા શહેરમાં જે ગટરમાં બાળકી લાપતા બની છે તે ગટરની લાઈન અંબિકા નદીમાં નીકળતી હોવાનું સામે આવ્યું છે. પહેલા જ વરસાદે ગટરમાં બાળકી ખાબકતા સ્થાનિકોમાં પાલિકાના સત્તાધીશો સામે આક્રોશ ફેલાયો છે.








