Video-સુરતમાં શાસક પક્ષના નેતાએ કરેલી નિયમોની એસીતેસી ઉજાગર, NOC વગર ચાલતું ફૂડ કોર્ટ કરાયું સીલ
રાજકોટમાં ડેથઝોન સમા ગેમ ઝોનમાં માત્ર અધિકારીઓ જ નહીં પરંતુ નેતાઓ પણ દોષિત હોવાનું કહેવાય રહ્યું

રાજકોટમાં ડેથઝોન સમા ગેમ ઝોનમાં માત્ર અધિકારીઓ જ નહીં પરંતુ નેતાઓ પણ દોષિત હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે સુરતમાં પણ દીવા તળે અંધારું હોય તેમ શાસક પક્ષના નેતાઓ દ્વારા નિયમોની એસીતેસી કરાઈ હોવાનું ઉજાગર થયું છે. ખુદ શાસક પક્ષના નેતા જ નિયમોને ઘોળીને પી ગયા હોય તેમ ફૂડ કોર્ટ ચલાવતાં હતાં. જેના પર લાલ આંખ કરીને બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે, શું કાયમી માટે નેતાઓ નિયમો પાળશે કે પછી માત્ર લોકોને જ પાળવાના છે.
નિયમોનું પાલન થયું નહોતું
રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ જાગ્યું છે. જેણે શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું ફૂડ કોર્ટ સીલ કરી દીધું છે. ધર્મેશ વાણિયાવાળા દ્વારા પાલ રોડ પર ગેલેક્ષી સર્કલ પાસે નિયમોની ઐસીતૈસી કરીને ફુડ કોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. એનઓસી નહીં હોવા છતાં પણ તંત્ર દ્વારા આ 'લા પેન્ટોલા' નામનું ફુડ કોર્ટ ચાલવા દેવાયું હતું. ત્રણ દિવસ સુધી તંત્ર દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરાયો હતો.
ચોથા દિવસે કાર્યવાહી
નિયમ વિરુદ્ધ ચાલતાં ફૂડ કોર્ટ પર સવાલો ઉભા થયાં હતાં. જેથી હવે તેને બચાવી શકાશે તેમ નહીં લાગતા ચોથા દિવસે ફાયર બ્રિગેડ દ્વારા આ ફુડ કોર્ટને પણ સીલ મારી દેવામાં આવ્યું હતું. ખુદ મનપાના શાસક પક્ષના દંડકનું જ ફુડ કોર્ટ સીલ થઈ જતાં અત્યાર સુધી કેવી લાલીયાવાડી ચાલતી હતી. તેની મનપા કચેરીમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. તો લોકોમાં ચર્ચા છે કે, આ તો એક જ નેતાનું સામે આવ્યું આવા તો અઢળક નેતાઓ છે. જેની ગેરકાયદે પ્રવૃતિઓ પર સામાન્ય લોકોની જેમ જ કાર્યવાહી થવી જોઈએ.








