VIDEO: સાબર ડેરીમાં નવો ભાવફેર છતાં વિરોધ યથાવત, પશુપાલકોએ છઠ્ઠા દિવસે પણ દૂધ ન ભરાવ્યું
સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરી અને પશુપાલકો વચ્ચેનો વિવાદ છઠ્ઠા દિવસે પણ યથા
સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરી અને પશુપાલકો વચ્ચેનો વિવાદ છઠ્ઠા દિવસે પણ યથાવત છે. ગતરોજ સાબર ડેરીની હાઈ-લેવલ બેઠકમાં દૂધના ભાવમાં 995 રૂપિયા પ્રતિ કિલો ફેટનો વધારો જાહેર કરવામાં આવ્યો, જે 960 રૂપિયાની અગાઉની ચૂકવણી ઉપરાંત 35 રૂપિયા બાકી ચૂકવવામાં આવશે. છતાં, ઇડર, વડાલી, હિંમતનગર સહિતના તાલુકાઓમાં પશુપાલકોનો વિરોધ ચાલુ છે, જેમણે 20-25 ટકા ભાવ વધારો અને જેલમાં બંધ પશુપાલકોની મુક્તિની માગણી કરી છે.
પશુપાલકોને આક્રમક વિરોધ માટે આહવાન કર્યું હતું
સાબર ડેરીમાં ભાવફેર વિરોધના આગેવાન પશુપાલક ચેતન પટેલ બોર્ડ ડિરેક્ટરો સાથેની મિટીંગ બાદ બોલ બદલાયા હોવાનું પશુપાલકો કહી રહ્યા છે. ચેતન પટેલે જ 16 જુલાઈએ પશુપાલકોને આક્રમક વિરોધ માટે આહવાન કર્યું હતું. સોશિયલ મીડિયા થકી ચેતન પટેલે દૂધ ન ભરાવવા સહિતની અપીલ કરી હતી. જેલમાં બંધ પશુપાલકોને જેલમુક્ત ન કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાટે વાત કરી હતી. જ્યારે ચેતન પટેલે ડેરીમાં વાઈસ ચેરમેન સહિત ડિરેક્ટરો સાથે રાખીને નવો વીડિયો વાયરલ કર્યો હતો.
કેટલાક આગેવાનો ડેરી કારોબારી સાથે મળી ગયા
ચેતન પટેલે પશુપાલકોને નિયમિત દૂધ ભરાવવા બાબતે આંદોલનકારી પશુપાલકોને અપીલ કરી હતી. પરંતુ પશુપાલકો તેમજ સાબરડેરી વચ્ચેના વિવાદનો આજે છઠ્ઠો દિવસે પણ પશુપાલકોએ દૂધ ન ભરાવી વિરોધ નોંધાવ્યો છે. સાબર ડેરીએ મિટિંગ યોજી 995 રૂપિયા વારષિક ભાવ વધારો આપવાની જાહેરાત કર્યા છતાં પશુપાલકોનો રોષ યથાવત જોવા મળ્યો છે. છઠ્ઠા દિવસે મોટાભાગની ડેરીમાં દૂધ જમા કરાવાયું નથી. પશુપાલકોનું માનવું છે કે કેટલાક આગેવાનો ડેરી કારોબારી સાથે મળી ગયા છે.
જેલમાં બંધ પશુપાલકોને જેલમુક્ત કરવા માગ
જણાવી દઈએ કે, ગતરોજ સાબરડેરી ખાતે સૌથી મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં પશુપાલકોને 995 રૂપિયા વાર્ષિક ભાવ વધારો આપવાની જાહેરાત કરાઈ હતી. તેમ છતાં ઇડર, વડાલી, હિમતનગર સહિતના તાલુકાઓમાં વિરોધ યથાવત જોવા મળ્યો છે. જેલમાં બંધ પશુપાલકોને જેલમુક્ત કરવા સહિત 20થી 25 ટકા ભાવફેરની માંગ કરવામાં આવી હતી.
સતત છઠ્ઠા દિવસે દૂધ બંધ કરી પશુપાલકોએ પોતાનો રોષ ઠાલવ્યો છે. સાબરડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલના તાલુકામાં રોષ યથાવત જોવા મળ્યો છે. વડાલી તાલુકામાં મોટાભાગની ડેરીમાં દૂધ બંધ છે. થેરાસણા, થુરાવાસ, વડગામંડા, કેસરગંજ, કુબાધરોલ, હાથરવા, માલપુર, હિંમતપુર, ભાંડવાલ, રહેડા, કડીયાદરા, ચોટાસણ, ભજપુરા, રાયગઢ, ધનપુરા, નર્સિંગપૂરા, અરજણપુરા, રાયસિંગપુરા, જાંબુડી, કાણીયોલ, સહિતની ડેરીમાં દૂધ બંધ છે.






