Patan: જિલ્લામાં જર્જરિત શાળાઓની તપાસ: 50 જેટલી શાળાઓના ઓરડાઓ ક્ષતિગ્રસ્ત
ગંભીરા પુલ દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં આવી અને રાજ્યના વિવિધ પુલોની ચકાસણી
ગંભીરા પુલ દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં આવી અને રાજ્યના વિવિધ પુલોની ચકાસણી શરુ કરવામાં આવી. તો રાજસ્થાનમાં બનેલી શાળાની છતાં પડવાની ઘટના બાદ રાજ્યની શાળાના મકાનના સર્વેનું કામ પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગે પાટણ જિલ્લામાં પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જિલ્લાની પ્રાથમિક શાળાઓના ઓરડાઓ, મધ્યાહન ભોજનના મકાનો, ભયજનક વૃક્ષો અને ઇલેક્ટ્રિક વાયરોની સ્થિતિની તાત્કાલિક યાદી તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ પરિપત્રના પગલે પાટણ જિલ્લાની પ્રાથમિક શાળાઓના આચાર્યોએ તપાસ કામગીરી શરૂ કરી દીધી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, પાટણ જિલ્લામાં અંદાજે 50 શાળાઓના ઓરડાઓ ક્ષતિગ્રસ્ત જોવા મળ્યા છે, જેમાંથી કેટલીક શાળાઓના ઓરડાઓ ઉતારી લેવા માટે જાહેર હરાજીની પ્રક્રિયા શરૂ થઈ છે. તાલુકા પ્રમાણે જોતાં, સરસ્વતી તાલુકામાં 9 શાળાઓના ઓરડાઓ જર્જરિત હોવાનું સામે આવ્યું છે, જેના માટે હરાજીની જાહેરાત કરવામાં આવી છે. પાટણ તાલુકામાં વાંખુદર સહિત 10 શાળાઓ, ચાણસ્મા તાલુકામાં બ્રહ્મણવાડા પ્રાથમિક શાળા સહિત 10 શાળાઓ, હારીજ તાલુકામાં 8 શાળાઓ, સમી તાલુકામાં 10 શાળાઓ, સંખેશ્વર તાલુકામાં 5 શાળાઓ, રાધનપુર તાલુકામાં છાણીયાધર સહિત કેટલીક શાળાઓ અને સાંતલપુર તાલુકાની અન્ય કેટલીક શાળાઓનો સમાવેશ થાય છે.
આ તપાસનો હેતુ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. જર્જરિત ઓરડાઓને ઉતારીને આધુનિક સુવિધાઓથી સજ્જ નવા ઓરડાઓનું નિર્માણ કરવાનું આયોજન છે. આ માટે સર્વ શિક્ષા અભિયાન અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ભયજનક વૃક્ષો અને ઇલેક્ટ્રિક વાયરોની સમસ્યાને પણ ઉકેલવા માટે સ્થાનિક વહીવટી તંત્ર સક્રિય થયું છે.




