મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પરિમલ નથવાણીએ પોતાનું 'કૉલ ઑફ ધ ગીર' પુસ્તક કર્યું પ્રસ્તુત, ગીર અને સિંહના અનુભવો લોકો સમક્ષ કર્યા રજૂ

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં ગીરના એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી-ટેબલ પુસ્તક 'કૉલ ઑ

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં ગીરના એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી-ટેબલ પુસ્તક 'કૉલ ઑફ ધ ગીર' પ્રસ્તુત કર્યું છે. ગત 31મી જુલાઈ, 2024ના રોજ તેમણે આ પુસ્તકની પ્રથમ નકલ વડાપ્રધાન મોદીને ભેટ આપી હતી.

જો કે, અગાઉના પુસ્તકથી અલગ, આ વખતે 'કૉલ ઑફ ધ ગીર'માં લખાણનું પ્રમાણ ઓછું છે અને તસવીરો વધુ છે. તેમાં ઝાડ પર ચઢતા સિંહો, ખનિજના ટુકડાને ચાટતાં, એકબીજા સાથે તકરાર અને વ્હાલ કરતાં, રમતાં-કૂદતાં બચ્ચાં, શિકારની મિજબાની કરી રહેલા સિંહ કુટુંબ વગેરે સહિત સિંહની કેટલીક દુર્લભ તસવીરો સામેલ છે. આ સાથે, આ પુસ્તકમાં ગીરની વનસ્પતિ અને જીવસૃષ્ટિની અલભ્યતા અને વિવિધતાને પણ ખૂબીપુર્વક કંડારાઈ છે. ગીરમાં એકંદર જીવન, વૃક્ષો, ઝરણાં તેમજ તેની સમૃદ્ધ વન્ય જીવસૃષ્ટિ તેમજ સમગ્ર ગીર પ્રત્યે નથવાણીના અનહદ પ્રેમને આ પુસ્તકના લખાણો અને તસવીરો પ્રતિબિંબિત કરે છે.

સાંસદ પરિમલ નથવાણીએ પોતાના પુસ્તક વિષે વાત કરતા કહ્યું હતું કે "હું પોતે છેલ્લા 30 વર્ષથી ગીરની મુલાકાત લઈ રહ્યો છું. મારી પાસે આટલા વર્ષોમાં ગીરના એશિયાટિક સિંહોની લીધેલી અસંખ્ય તસવીરોનું કલેક્શન છે. આ નવું પુસ્તક ગીરના સિંહોની કેટલીક શ્રેષ્ઠતમ તસવીરોને દર્શાવનારું છે. તેનાથી માત્ર સિંહપ્રેમીઓને જ નહીં, પરંતુ વિશ્વભરના વન્યજીવસૃષ્ટિ ચાહકોને પ્રેરણા અને મદદ મળશે"

વડાપ્રધાન મોદીના મહત્ત્વાકાંક્ષી 'પ્રોજેક્ટ લાયન' બદલ પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના સંવર્ધન તેમજ રક્ષણના પ્રયાસોને કારણે સિંહોની વસતિમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. આજે રાજ્યના આઠથી વધુ જિલ્લામાં સિંહોની ઉપસ્થિતિ જણાય છે અને પોરબંદર જિલ્લાના બરડા ખાતે તેમના માટે એક નવી વસાહત વિકસાવાઈ રહી છે.

મીડિયા સાથે વાત કરતા પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, ‘ગીર અભ્યારણ ગુજરાતનું જાણીતું ટુરિસ્ટ પ્લેસ છે ત્યારે આ પ્લેસને ડેવલપ કરવું જોઈએ. હાલ આશરે 1 લાખ જે મુલાકાતથીઓ આવે છે પરંતુ જો એરપોર્ટ, હોટલ, રિસોર્ટ સહિતની સુવિધા ડેવલપ કરવાથી તેમાં પર્યટકોનો વધુ વધારો થશે.’ આગામી દિવસોમાં સિંહ અંગેના સિક્કા બહાર પાડી મુલાકાતીઓને આપવાની વાત સાંસદ પરિમલ નથવાણીએ કહી હતી.

આ સમાચાર શેર કરો