VIDEO: પત્રકારે પૂછ્યું બ્લૂ પ્રિન્ટ ફાઈનલ થઈ કે નહીં? મૈથિલી ઠાકુરે આપ્યો સુંદર જવાબ
બિહારના દરભંગાના અલીનગર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલી લોક ગાયિકા અને સૌથી નાની ઉંમરની ધ

બિહારના દરભંગાના અલીનગર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલી લોક ગાયિકા અને સૌથી નાની ઉંમરની ધારાસભ્ય મૈથિલી ઠાકુર ઘણીવાર ચર્ચામાં રહે છે. અવાર-નવાર તેના વીડિયો વાયરલ થતા રહે છે. હવે તેનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક પત્રકારને જવાબ આપતી જોવા મળી રહી છે.
વીડિયોમાં જોવા મળે છે કે એક પત્રકાર મૈથિલીને પૂછી રહ્યો છે કે, "બ્લૂ પ્રિન્ટ ફાઈનલ થઈ કે નહીં?" જેના જવાબમાં મૈથિલી કહે છે, "અરે તમે પણ ટ્રોલ કરી રહ્યા છો, કઈ ચેનલ છે? મને લાગ્યું કે નેશનલ ચેનલ થોડી જવાબદારી સાથે સવાલ પૂછે છે." આ દરમિયાન તે ચેનલના માઈક તરફ પણ જોવે છે.
શું છે બ્લૂ પ્રિન્ટનો મામલો?
ચૂંટણી પ્રચાર દરમિયાન એક પત્રકારે મૈથિલીને પૂછ્યું હતું કે, "તમારા મતવિસ્તાર માટે તમારી બ્લૂ પ્રિન્ટ શું છે?" મૈથિલીએ ખચકાટ વિના કેમેરા સામે કહ્યું, "હું આ બધાને કેવી રીતે જાહેર કરી શકું? આ એક સંપૂર્ણપણે ખાનગી અને ગુપ્ત બાબત છે." તેનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો હતો, તે સમયે લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા હતા. કેટલાક લોકોએ પૂછી રહ્યા હતા કે, રાજકીય સમજણ વિના ઉમેદવારો ઉભા રાખવા એ કેવા પ્રકારનું રાજકારણ છે.
બિહારની સૌથી યુવા ધારાસભ્ય
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલ મૈથિલી ઠાકુર બિહારની સૌથી યુવા ધારાસભ્ય છે. તેણે રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના વરિષ્ઠ નેતા વિનોદ મિશ્રાને હરાવ્યા હતા. ANI અનુસાર, મૈથિલી ઠાકુરે અલીનગર વિધાનસભા મતવિસ્તારમાંથી 11,730 મતોથી જીત મેળવી હતી.






