અમદાવાદ : કલા સ્મૃતિ અને TAFF દ્વારા 19 જુલાઈએ 'મેઘા રે' કાર્યક્રમ યોજાશે
ગુજરાત સમાચાર અને જીએસટીવી પ્રેરિત કલા સ્મૃતિ અને TAFF (ટ્રાવેલ, આર્ટ, ફૂડ એન્ડ ફેશન) ગ્રુપ
ગુજરાત સમાચાર અને જીએસટીવી પ્રેરિત કલા સ્મૃતિ અને TAFF (ટ્રાવેલ, આર્ટ, ફૂડ એન્ડ ફેશન) ગ્રુપ દ્વારા આગામી 19 જુલાઈના રોજ એસજીવીપી કેમ્પસ ખાતે 'મેઘા રે' નામના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની પ્રી લોન્ચ ઇવેન્ટ મંગળવારે યોજાઈ ગઈ.
'મેઘા રે'માં કવિઓ હર્ષ બ્રહ્મભટ્ટ, મધુસુદન પટેલ, ભાવેશ ભટ્ટ, ભાવિન ગોપાણી, દિલીપ શ્રીમાળી, વિપુલ પરમાર, લવ સિંહા અને હિતેશ વ્યાસ પોતાની કાવ્યરચનાઓ રજૂ કરશે. આ કાર્યક્રમથી ગુજરાતી ફિલ્મોના જાણીતા એક્ટર ચેતન દૈયા પ્રથમવાર કવિ તરીકે રજૂ થશે. અભિનેત્રી ધરા ભટ્ટ મોનોલોગ પ્રસ્તુત કરશે અને કાર્યક્રમનું સંચાલન કવિ મોહંમદ તાહા કરશે.
'મેઘા રે'ની પ્રી લૉન્ચ ઈવેન્ટમાં આયોજક તન્મય શેઠે જણાવ્યું હતું કે, ‘આ કાર્યક્રમ શ્રોતાઓને અષાઢી વાદળોની ઝરમરથી લઈને મુશળધાર વરસાદ સુધી લઇ જશે. પ્રેક્ષકો-ભાવકો આ ત્રણ કલાકના કાર્યક્રમને માણીને બહાર નીકળશે ત્યારે ગુજરાતી સાહિત્યથી તરબતર થઇ જશે.'
કવિ મધુસૂદન પટેલે કહ્યું હતું કે, આ પહેલા ટાફ દ્વારા ઓપનએર થિયેટરમાં ‘મોજ રે’ નામથી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેની સફળતા બાદ આયોજકોને થયું કે આ કાર્યક્રમને આગળ ધપાવવો જોઈએ. આથી આયોજકો વરસાદની આ ઋતુમાં આ ‘મેઘા રે’ લઈને આવ્યાં છે.'
એક્ટર ચેતન દૈયાએ કહ્યું હતું કે, 'નામાંકિત કવિઓ સાથે મંચ શેર કરવાની અને મારી લખેલી કેટલીકે કવિતાઓ રજૂ કરવાની ખુબ મજા આવશે.'
TAFF - ખાણી-પીણી અને ઉજાણી સાથે વારસાના જતનની ખેવના
કોરોનાકાળમાં અમદાવાદના કળારસિક મિત્રો દ્વારા શરૂ થયેલા આ ગ્રૂપમાં કળાના દરેક ક્ષેત્રની જાણીતી વ્યક્તિ જોડાયેલી છે. ખાણી-પીણી, ઉજાણીની સાથે વારસાના જતન કરવાની ખેવના સાથે બનેલુ આ ગ્રૂપ ફૂડ-હેરિટેજ વૉક, મુશાયરા અને મૂવી સ્ક્રિનિંગ જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નિ:શૂલ્ક કરતું રહે છે. ગ્રૂપના સભ્યો દ્વારા ચેરિટીની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.








