VIDEO: જામનગર / જી.જી. હોસ્પિટલ રોડ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, મારામારીના દૃશ્યો CCTVમાં કેદ
જામનગર શહેરમાં એક તરફ દેશના વડાપ્રધાનના આગમનને લઈ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

જામનગર શહેરમાં એક તરફ દેશના વડાપ્રધાનના આગમનને લઈ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, ફ્લેગ માર્ચ અને હાઈ એલર્ટ જેવી વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી હતી, ત્યારે બીજી તરફ શહેરના જી.જી. હોસ્પિટલ રોડ વિસ્તારમાં કેટલાક લુખ્ખાતત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ગઈકાલે બનેલી આ ઘટનામાં લાકડીઓ સાથે આવેલા શખ્સોએ બે યુવકો પર જાહેરમાં હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના દૃશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે. ફૂટેજમાં કેટલાક શખ્સો હાથમાં લાકડીઓ લઈને રસ્તા પર દોડતા તેમજ યુવકોને ઘેરીને મારામારી કરતા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.
ખાસ કરીને એક દૃશ્યમાં એક યુવકના માથાના ભાગે જોરદાર લાકડીનો ઘા ઝીંકાતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ રસ્તા પર ઢળી પડતો નજરે પડે છે. બનાવને કારણે વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોમાં ચર્ચા છે કે જ્યારે વડાપ્રધાનના આગમનને લઈ સમગ્ર પોલીસ તંત્ર વ્યસ્ત હતું, ત્યારે અસામાજિક તત્વોએ તેનો જ લાભ લઈ શહેરમાં ખુલ્લેઆમ ધોકાવારી ચલાવી હતી.
ઘટના બાદ હુમલાખોર શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે. સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થતા પોલીસે ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસનો દોર શરૂ કર્યો છે. જોકે, જાહેર રસ્તા પર આવી રીતે લાકડીઓ સાથે ટોળકીઓ દોડતી હોય અને યુવકો પર જીવલેણ હુમલા થતા હોય તો શહેરમાં સામાન્ય નાગરિકોની સુરક્ષા કેટલી સલામત છે તેવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે.



