VIDEO: લેપટોપને સુપરફાસ્ટ રાખવું હોય તો બદલી નાખો આ 7 આદતો, વારંવાર રિપેરિંગના ખર્ચમાંથી મળશે મુક્તિ
આજે મોટાભાગના લોકો લેપટોપ (Laptop) પર જ કામ કરે છે, પછી ભલે તે ઓફિસનું કામ હોય, અભ્યાસ હોય,

આજે મોટાભાગના લોકો લેપટોપ (Laptop) પર જ કામ કરે છે, પછી ભલે તે ઓફિસનું કામ હોય, અભ્યાસ હોય, ઓનલાઇન મીટિંગ, વીડિયો એડિટિંગ કે ગેમિંગ હોય. ઘણા લોકો નવું લેપટોપ ખરીદ્યા પછી એવું વિચારે છે કે હવે આ વર્ષો સુધી કોઈ સમસ્યા વગર ચાલશે. પરંતુ હકીકત એ છે કે ઘણીવાર લેપટોપ બગડવા પાછળ કંપનીની કોઈ ભૂલ નથી હોતી, પરંતુ આપણી રોજિંદી ખોટી આદતો જવાબદાર હોય છે. જો તમે ઈચ્છો છો કે તમારું લેપટોપ લાંબા સમય સુધી સુપરફાસ્ટ ચાલે અને વારંવાર રિપેર કરાવવાની જરૂર ન પડે, તો જાણી લો આ ૭ ભૂલો વિશે જેને સુધારીને તમે તમારા લેપટોપને સેફ રાખી શકો છો.
૧. લેપટોપને પલંગ, તકિયા કે ધાબળા પર રાખીને વાપરવું
ઘણા લોકો આરામથી કામ કરવા માટે લેપટોપને બેડ, ઓશિકુ કે ધાબળા પર મૂકી દે છે. આવું કરવાથી લેપટોપની નીચે આવેલા એર વેન્ટ્સ (હવા બહાર નીકળવાના કાણાં) બંધ થઈ જાય છે અને ગરમ હવા બહાર નીકળી શકતી નથી. પરિણામે લેપટોપ ખૂબ જ ઝડપથી ગરમ (Overheat) થઈ જાય છે.
૨. હંમેશા ચાર્જર ભરાવી રાખવું
બહુ બધા લોકો લેપટોપને આખો દિવસ ચાર્જિંગમાં જ રાખે છે, ભલે બેટરી ૧૦૦% કેમ ન હોય! નવા લેપટોપમાં બેટરી પ્રોટેક્શન ફીચર્સ ચોક્કસ હોય છે, પરંતુ ચોવીસ કલાક ફૂલ ચાર્જ પર રાખવાથી લાંબે ગાળે બેટરીની ક્ષમતા ઘટી જાય છે. જો તમારા લેપટોપમાં Battery Protection કે Smart Charging નો ઓપ્શન હોય તો તેને ઓન રાખો અને ચાર્જિંગ પૂરું થતાં જ પ્લગ કાઢી લેવાની આદત પાડો.
૩. લેપટોપની સફાઈ ન કરવી
લેપટોપની સ્ક્રીન, કીબોર્ડ અને એર વેન્ટ્સ પર ધીમે-ધીમે ધૂળ જમા થવા લાગે છે. આના કારણે અંદરનો ફેન (પંખો) બરાબર કામ નથી કરી શકતો અને લેપટોપ ગરમ થાય છે. ગંદકીના કારણે કીબોર્ડના બટનો પણ જામ થઈ શકે છે. તેથી, દર થોડા દિવસે માઇક્રોફાઇબરના કપડાથી સ્ક્રીન અને બોડી સાફ કરો. જો એર વેન્ટ્સમાં વધારે ધૂળ હોય તો સર્વિસ સેન્ટર પર સાફ કરાવો.
૪. એકસાથે બહુ બધી એપ્સ અને ટેબ્સ ખુલ્લી રાખવી
જો તમે બ્રાઉઝરમાં એકસાથે ઘણી બધી ટેબ્સ, વીડિયો, ગેમ કે કોઈ ભારે સોફ્ટવેર ચલાવી રહ્યા છો, તો લેપટોપની RAM અને પ્રોસેસર પર વધુ દબાણ આવે છે. આનાથી લેપટોપ સ્લો થઈ જાય છે, હેંગ થવા લાગે છે અને બેટરી પણ ઝડપથી ઉતરી જાય છે.
૫. સોફ્ટવેર અપડેટને નજરઅંદાજ કરવું
ઘણા લોકો મહિનાઓ સુધી Windows કે અન્ય સોફ્ટવેર અપડેટ કરતા નથી. આવું કરવાથી લેપટોપમાં નવા સિક્યોરિટી અપડેટ્સ મળતા નથી અને સિસ્ટમ સ્મૂધ ચાલતી નથી. કેટલીકવાર જૂના સોફ્ટવેરના કારણે વાયરસ કે હેકિંગનો ખતરો પણ વધી જાય છે.
૬. લેપટોપને જરૂર કરતાં વધુ ગરમ થવા દેવું
જો તમારું લેપટોપ વારંવાર બહુ વધારે ગરમ થઈ રહ્યું હોય, તો તેને સામાન્ય ન ગણો. સતત ગરમ રહેવાથી અંદરના પાર્ટ્સ જલ્દી બગડી શકે છે. ખાસ કરીને ગેમિંગ કે વીડિયો એડિટિંગ કરતી વખતે વચ્ચે-વચ્ચે લેપટોપને થોડો આરામ આપો. જરૂર પડે તો કૂલિંગ પેડ (Cooling Pad) નો ઉપયોગ કરો જેથી તાપમાન કંટ્રોલમાં રહે.
૭. સસ્તા કે નકલી ચાર્જરનો ઉપયોગ કરવો
જો લેપટોપનું ઓરિજિનલ ચાર્જર બગડી જાય, તો ઘણા લોકો સસ્તું કે લોકલ ચાર્જર ખરીદી લે છે. આ આદત ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. લોકલ ક્વોલિટીનું ચાર્જર બેટરી, ચાર્જિંગ પોર્ટ અને મધરબોર્ડને પણ ફૂંકી શકે છે. હંમેશા કંપનીનું ઓરિજિનલ કે સર્ટિફાઇડ ચાર્જર જ વાપરો, જેથી લેપટોપ સુરક્ષિત રહે અને બેટરી લાઈફ સારી મળે.








