મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં મેઘો અનરાધાર: જૂનાગઢના માણાવદરમાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ

રાજ્યમાં ચોમાસું બરોબરનું જામ્યું છે. જૂનાગઢ, રાજકોટ, ઉપલેટા, સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસ્

રાજ્યમાં ચોમાસું બરોબરનું જામ્યું છે. જૂનાગઢ, રાજકોટ, ઉપલેટા, સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે.  જુનાગઢના માણાવદરમાં 8 ઈંચ, વિસાવદરમાં સાત ઈંચ, મોરબીમાં ત્રણ ઈંચ અને સુરત જિલ્લામાં 7 ઈંચ વરસાદ વરસ્યો છે. 

જુનાગઢના માણાવદરમાં સવાર સુધીમાં આઠ ઇંચ વરસાદ 

જુનાગઢના માણાવદરમાં સવાર સુધીમાં આઠ ઇંચ વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.આ ઉપરાંત માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમ પણ પહેલા વરસાદે જ ઓવરફ્લો થઈ ગયો હતો. આ સાથે જ ગોકુળનગર, અમૃતનગર, ગીરીરાજ સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા.

ઉપલેટામાં ભારે વરસાદ

રાજકોટના ઉપલેટા પંથકમાં પડેલા વરસાદને લઈને શહેરના મુખ્ય માર્ગો જેમકે રાજમાર્ગ, કટલેરી બજાર, ગાંધી ચોક, ઝીકરીયા મસ્જીદ વિસ્તાર તેમજ ભાદરચોક સહિતના વિસ્તારમાં રોડ પર વરસાદી પાણી ભરાયા હતા.ઉપલેટાના લાઠ, ભીમોરા, મજેઠી, કુંઢેજ, તલંગણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પાંચથી સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે વોકરાઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.લાઠ તેમજ આસપાસના પંથકમાં પડેલા વરસાદના કારણે લાઠ ગામથી અન્ય ગામને જોડતા બેઠી ઢાબીના પુલ પર પાણી ફરી વળતા વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હોઈ શકે છે.

વિસાવદરમાં છેલ્લા ચાર કલાકમાં સાત ઇંચથી વધુ વરસાદ 


જૂનાગઢના વિસાવદરમાં છેલ્લા ચાર કલાકમાં સાત ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.ભારે વરસાદના કારણે વિસાવદરની ધ્રાફડ, પોપટડી મયારી નદીમાં ઘોડાપૂર જોવા મળ્યુ. આ ઉપરાંત જંગલ વિસ્તારમાં પણ અનરાધાર વરસાદના કારણે સિઝનમાં સૌપ્રથમવાર નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી.

સુરત શહેર તથા તાલુકાઓમાં 6 ઈંચથી વધુ વરસાદ


સુરત શહેર તથા તાલુકાઓમાં મેઘરાજાએ તાંડવ મચાવી 6 ઈંચથી વધુ વરસાદ વરસાવતા ઠેર ઠેર રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સોમવારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, અને દમણ તથા દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે..આજે ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને નવસારી, સહિત સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.

મોરબી શહેર અને જિલ્લામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ


મોરબી શહેર અને જિલ્લામાં ગત રોજથી જ વરસાદ વરસી રહ્યો છે. મોરબીમાં ગત રોજ સવારથી સાંજે 6 વાગ્યા સુધીમાં મોરબી તાલુકામાં 3 ઇંચ, ટંકારામાં દોઢ ઇંચ અને હળવદમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે માળિયા તથા વાંકાનેરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. મોરબી શહેરમાં સારા વરસાદને પગલે શહેરના તમામ મુખ્ય માર્ગો પાણી પાણી થયા હતા અને પાલિકા તંત્રની પોલ ખુલી જવા પામી હતી.મોરબી શહેરમાં 3  ઇંચ જેટલા વરસાદમાં પાણી પાણી થઇ ગયું હતું. 

વલસાડ જિલ્લામાં 24 કલાકમાં સરેરાશ 3.7 ઈંચ વરસાદ

વલસાડ જિલ્લામાં 24 કલાકમાં સરેરાશ 3.7 ઈંચ વરસાદ પડ્યો હતો. વાપીમાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ પડ્યો હતો. જલાલપોરના આરક સિસોદ્રા ગામે આશિક બાબુભાઈ હળપતિના આવાસાની દિવાલ તૂટી પડતા પરિવારના ચાર સભ્યો દબાયા હતા. ચારેયને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડાંગ જિલ્લામાં રવિવારે દિવસભર વરસાદની હેલી જારી રહેતા આહલાદક વાતાવરણ જોવા મળ્યું હતુ. વીક એન્ડ હોવાથી ગિરિમથક સાપુતારા પ્રવાસીઓથી ઉભરાયું હતુ. 

આ સમાચાર શેર કરો