મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: એક જ ક્લિકમાં જુઓ આકાશી આફત, જૂનાગઢના 44 ગામ સંપર્ક વિહોણા; નદીઓ છલકાઇ-ડેમ થયા ઓવરફ્લો

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદને પગલે ક્યાક નદી-નાળા છલકાયા હતા તો ક્યાક લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જૂનાગઢમાં 44 ગામ સંપર્ક વિહોણા થયા છે.

સુરતમાં ઠેર ઠેર ભરાયા પાણી

સુરતમાં પણ ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયું હતું. સુરતના અઠવાગેટ પોલીસ સ્ટેશનના PI હડિયા પોતાના વિસ્તારમાં ટીમ સાથે રાહદારીઓની મદદ કરવા માટે પહોંચી ગયા હતા. ભારે વરસાદને કારણે અનેક ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો બંધ થયા હતા.

સુરતમાં ત્રણ કલાક વરસાદની ધમાકેદાર બેટિંગ

સુરતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતા અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. વેસુ ખાતે આવેલ ભગવાન મહાવીર કોલેજ પાસે સમગ્ર રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યું હતું. પુણા કુંભારીયા મેન રોડ પર પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદને પગલે ગલેમંડી, નવસારી બજાર, વરાછા, કાપોદ્રા, કતારગામ, વેડ રોડ, લીંબાયત સહિતના અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.

વલસાડમાં પણ સતત પાંચમા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સતત પાંચમા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.  ઉમરગામ અને મહારાષ્ટ્રના તલાસરીને જોડતા મુખ્ય માર્ગ એવા ઝરી ખાડીનો પુલ પાણીમાં ડૂબી જતા મહારાષ્ટ્રના કામદારોને ભીલાડ સુધી લાંબો ચકરાવો કરવો પડી રહ્યો છે. 

વલસાડમાં ભારે વરસાદને કારણે અનેક નદીમાં પાણીની આવક થઇ હતી

જૂનાગઢમાં પણ ભારે વરસાદને પગલે વ્રજમી ડેમની આવક વધી

જૂનાગઢ માળીયા-હાટીના તાલુકાના દુધાળા ગીર ગામ નજીક આવેલા વ્રજમી ડેમ 80 ટકા ભરાયો હતો. પાણીની આવક વધતા ગામના લોકોને નદીના પટમાં ના જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

ધોરાજીના છાડવાવદરમાં ભારે વરસાદ

રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે છાડવાવદર ગામ બેટમાં ફેરવાયું હતું.

કોડીનાર નજીક સાંગા વાડી નદીમાં ઘોડાપૂર

કોડીનારના વિઠલપુર ગામમાંથી પસાર થતી સાંગા વાડી નદીમાં ભારે વરસાદને પગલે ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ હતી. 20 ફૂટથી વધુ ઉંચાઇ ધરાવતા બ્રિજ ઉપર પાણી ફરી વળે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. ગીર ગઢડામાં પણ ભારે વરસાદના પગલે નદીમાં પુર આવ્યું હતું.

ગીર ગઢડા-ધોકડવા રોડ પર પાણી ફરી વળ્યા

ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘો મન મુકીને વરસ્યો હતો. ગીર ગઢડા-ધોકડવા રોડ પર ભારે વરસાદને પગલે પાણી ફરી વળ્યા હતા. ગીરમાં ભારે વરસાદ બાદ વોકળાના પાણી પુલ પર ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

પોરબંદરના ઘેડ પંથકમાં 19 ઇંચ વરસાદ

પોરબંદરમાં પણ છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. પોરબંદરના રાણાવાવ તાલુકામાં સવારે 4થી 10 વાગ્યા સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાણાવાવ શહેરના મોટાભાગના રોડ રસ્તા ભારે વરસાદને કારણે બંધ થયા હતા. પોરબંદરના ઘેડ પંથકમાં પણ 19 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

માળીયા-હાટીનામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. 3 ઇંચ જેટલા વરસાદમાં પટેલ સમાજ, પોલીસ લાઇનની પાછળનો ભાગ, શક્તિ નગર, રણછોડનગર બેટમાં ફેરવાયા હતા.

વલસાડમાં મધુબન ડેમના દરવાજા ખોલાયા

વલસાડમાં મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો જેને કારણે ડેમમાં 30000 ક્યુસેક થી વધુ પાણીની આવક થઇ હતી. ડેમમાં પાણીની આવક થતા ડેમના 6 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી 15000 ક્યુસેકથી વધુ પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. દમણ ગંગા નદીનું  તોફાની સ્વરૂપ જોવા મળ્યું હતું.

દ્વારકામાં 3 કલાકમાં 7 ઇંચ વરસાદ

દ્વારકા જિલ્લામાં પણ ફરી વરસાદી માહોલ જામ્યો હતો. દ્વારકાના કલ્યાણપુર પંથકમાં આભ ફાટ્યું હતું. દ્વારકામાં માત્ર 3 કલાકમાં ધોધમાર 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કલ્યાણપુરમાં 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ગીર સોમનાથમાં ભારે વરસાદને પગલે ગીરના જંગલમાં આહલાદક દ્રશ્યો સામે આવ્યા હતા. ગીર ગઢડા નજીક જંગલમાં આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. સોળે કળાએ ખીલેલી વનરાઇ, ખળખળ વહેતા ઝરણા અને ગુફાઓમાંથી આવતું પાણી જોવા મળ્યું હતું.

બસ ડ્રાઇવરનું સાહસ

ગીર ગઢડાના દ્રોણ નજીક પુલ પર પાણી હોવા છતાં ખાનગી બસના ડ્રાઇવરે જોખમી રીતે બસને પાણીમાંથી બહાર કાઢી હતી. બસમાં અનેક મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. જોકે, સદભાગ્યે કોઇ નુકસાન થયું નહતું.

ઉપલેટાના લાઠમાં 12 ઇંચ વરસાદ

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં આભ ફાટ્યું હતું. ઉપલેટાના લાઠ ગામમાં અનરાધાર 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

બીજી તરફ ધોરાજીના પીપળીયામાં પણ ધોધમાર વરસાદને કારમે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું.

જૂનાગઢનો દામોદર કુંડ છલકાયો

જૂનાગઢમાં ભારે વરસાદને પગલે દામોદર કુંડ ફરી છલકાયો હતો. ગિરનારમાં અનારાધાર વરસાદથી દામોદર કુંડ બે કાંઠે વહેવા લાગ્યો હતો.

ઓઝત નદીના દરવાજા ખોલાયા

ઓઝત નદી ઉપર આવેલા ઓઝત 2 ડેમમાં પાણીની આવક વધતા ચાર દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા. વિસાવદરમાં સતાધાર નજીક આવેલ આંબાજર ડેમના પણ બે દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવ્યા હતા. ઓઝત નદીમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

કલ્યાણપુરનું માલેતા ગામ બેટમાં ફેરવાયું

કલ્યાણપુર તાલુકાનું માલેતા ગામ બેટમાં ફેરવાયું હતું. ભારે વરસાદને કારણે ગામમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ગામમાં કેડ સમા પાણી ભરાતા ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હતું.

માણાવદરના રસાલા ડેમની જળસપાટી વધી

માણાવદરમાં ભારે વરસાદને પગલે રસાલા ડેમની જળસપાટીમાં વધારો થયો હતો.

દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના બાંકોડી ગામ પણ ભારે વરસાદને પગલે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ભારે વરસાદને કારણે ગામમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળતું હતું.

દ્વારકાના સત્તાપરના ડેમમાં પણ પાણીની નવી આવક થઇ હતી.

આ સમાચાર શેર કરો