VIDEO: પહેલા વરસાદમાં જ 15 ફૂટ મોટો ભૂવો પડ્યો, પાણીમાં ગરકાવ કોર્પોરેશનનો પ્રિમોન્સૂન પ્લાન
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વેની તૈયારીના દાવાઓ હવે પોકળ સાબિત થઈ રહ્યા છે અને ઠ
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વેની તૈયારીના દાવાઓ હવે પોકળ સાબિત થઈ રહ્યા છે અને ઠેર ઠેર દર વરસાદે ભુવા અને રસ્તાઓ પર કીચડ આવી રહ્યું છે. ગાંધીનગરના ઘ રોડ ઉપર 15 ફૂટ પહોળો ખૂબ જ મોટો ભૂવો પડ્યો છે. પહેલા વરસાદમાં જ આવા મોટા ભૂવાઓ પડતાં તંત્રની પોલ ખુલી પડી છે.
જણાવી દઈએ કે, ગાંધીનગર પોલીસ હેડ ક્વાર્ટર તરફ જવાના સેક્ટર 27ની પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા ચિલ્ડ્રન પાર્ક નજીકના રસ્તા પર પણ ખાડા અને પાણી ભરાવાની સમસ્યા જોવા મળી. નાગરિકોનો આક્ષેપ છે કે હજારો વૃક્ષોની બલિ લઈને બનેલા વિકાસના કામો હવે નાગરિકોને જ હેરાન કરી રહ્યા છે.
20 દિવસ પહેલાં ખુલ્લો મૂકાયેલો અંડરપાસ પાણીમાં ગરકાવ
સેક્ટર-21 અને ઘ-4 અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા ટ્રાફિક પોલીસને બંને છેડા બેરિકેડ વડે બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરવો પડ્યો. નવાઈની વાત એ છે કે સેક્ટર-21નો અંડરપાસ માત્ર 20 દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લો મુકાયો હતો અને હવે તે જ અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે. અધિકારીઓ દ્વારા પાઇપ લગાવી પાણી ખાલી કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
અંડરપાસમાં પાણી ભરાતા ટ્રાફિકજામ
આ સિવાય સ્વર્ણિમ પાર્ક નીચેના નવા અંડરપાસમાં પણ પાણી ભરાતા ટ્રાફિકજામ સર્જાયો હતો અને સ્થાનિકો હેરાન થયા હતા જેમાં પોલીસ દ્વારા બેરીકેડ કરીને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. મહાત્મા મંદિરથી વિધાનસભા ગાર્ડન દેખાય તે માટે બનાવાયેલા અંડરપાસોની જરૂરિયાત પર પણ નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે. નાગરિકોએ કહ્યું કે, "આ અંડરપાસો બહારના લોકોને દેખાડવા માટે છે, નાગરિકોની જરૂરિયાત માટે નહીં,"








