VIDEO:સુરતમાં નિરાધાર NRI દંપત્તીની વ્હારે આવી પોલીસ, આ રીતે આપી પારિવારિક હૂંફ
'આટલાં વર્ષોમાં મારે ઘરે કોઈ આવતું જ નહોતું' આ શબ્દો છે રાંદેર પોલીસનો સ્ટાફ ઘરે આવતા

'આટલાં વર્ષોમાં મારે ઘરે કોઈ આવતું જ નહોતું' આ શબ્દો છે રાંદેર પોલીસનો સ્ટાફ ઘરે આવતાં રડતાં અવાજે બોલાયેલા આધેડ મહિલાના..મહિલાને શાંત્વના આપતા પોલીસ અધિકારીએ કહ્યું કે, તમે ચિંતા ન કરો.. અમે પણ તમારા પરિવારના સભ્યો જ છીએ. આવતાં રહીશું. અમારા નંબર તો તમારી પાસે છે જ.. જો કે, આ વાર્તાલાપના થોડા દિવસો અગાઉ નિઃસંતાન વૃદ્ધ NRI દંપત્તી પૈકી વૃદ્ધા રાંદેર પોલીસ સ્ટેશન મદદની આશા સાથે પહોંચી હતી. જેમના માટે રાંદેર પોલીસે પરિવારના સભ્યોની જેમ ખોટ પૂર્ણ કરી હતી. સાથે જ ઘરમાં ઘૂસતા વરસાદી પાણી સહિતની સમસ્યાને દૂર કરી હતી.
પતિ બીમાર પડતાં હાલત કથળી
65 વર્ષીય વૃદ્ધા હેમંતિબેન રાજેન્દ્રભાઈ નાયક જેમનો જન્મ જાંબિયા-સાઉથ આફ્રિકામાં થયો હતો. ત્યાં તેમણે નાની ઉંમરમાં પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી. ત્યારબાદ રાજેન્દ્રભાઈ સાથે તેમના લગ્ન થયા હતાં. ત્યારબાદ તેઓ ભારત પાછા ફર્યા હતાં. અહી સંસાર શરૂ કર્યો હતો. જો કે, કુદરતે તો જાણે તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું હોય તેમ આ દંપત્તીને સંતાનથી વંચિત રાખ્યા હતા. વૃદ્ધાવસ્થામાં પણ તેમને બધી જવાબદારી જાતે જ નિભાવી પડે છે. તેમના પતિની તબિયત પણ ખરાબ થઈ જતાં તેમની મુસીબતો વધી ગઈ હતી.
પોલીસ બની પરિવાર
વૃદ્ધ દંપતીના ઘરની પાછળના ભાગે તેમણે પતરાના શેડ નખાવ્યો હતો. જેની હાલત જર્જરિત થઈ ગઈ હતી. હાલ વરસાદની ઋતુ હોય વરસાદ પડે ત્યારે તેમના ઘરમાં પાણી આવી જતું હતું. જેથી તે મદદ મેળવવા એક આશાના કિરણ સાથે રાંદેર પોલીસ સ્ટેશન આવ્યા હતાં. જ્યાં સાહેબને મળીને પોતાની આપવીતી જણાવી હતી. ત્યારબાદ પી.આઈ.એ આ બાબતે સ્ટાફના માણસો મારફતે ખરાઈ કરાવી હતી. પોલીસે મદદ કરતાં પતરા બદલી નાખ્યા હતાં. સાથે જ મોબાઈલ ફોન તૂટી ગયો હોવાથી દંપત્તીને નવો ફોન અપાવ્યો હતો.






