VIDEO: Kheda / ડાકોર પાલિકા પ્રમુખનો સફાઈ ડ્રામા ફ્લોપ; કચરો વાળીને થાકી જતાં છેવટે બહારથી સફાઈ કામદારો બોલાવાયા
યાત્રાધામ ડાકોરમાં છેલ્લા ત્રણ દિવસથી સફાઈ કામદારો પોતાના હક અને પાયાની સુવિધાઓ માટે આંદોલન પર

યાત્રાધામ ડાકોરમાં છેલ્લા ત્રણ દિવસથી સફાઈ કામદારો પોતાના હક અને પાયાની સુવિધાઓ માટે આંદોલન પર ઉતરી આવ્યા છે. સફાઈ કર્મીઓની હડતાળને પગલે શહેરના રસ્તાઓ પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિને થાળે પાડવા માટે પાલિકા પ્રમુખ અને સભ્યો દ્વારા કરવામાં આવેલી કામગીરી હવે વિવાદના વમળમાં ફસાઈ છે.
ગઈકાલે ડાકોર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખ સહિતના સભ્યોએ પોતે કચરો વાળીને સફાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અમુક સભ્યો ગામનો કચરો વાળી થાકી ગયા હતા. અંતે, સફાઈ વ્યવસ્થા જાળવવા માટે મોડી રાત્રે બહારથી ખાનગી સફાઈ કામદારોની ટીમ બોલાવવાની પ્રમુખને ફરજ પડી હતી. તેમજ આજે પણ પાલિકાએ રિક્ષા ફેરવીને વેપારીઓને કચરો બહાર ન નાખવા કડક સૂચના આપી છે.
નવાઈની વાત એ છે કે, જે બહારની ટીમ બોલાવવામાં આવી હતી તેમાં 15 વર્ષથી ઓછી ઉંમરના આશરે ત્રણ જેટલા બાળ મજૂરો હોવાનું સામે આવ્યું છે. સફાઈ કામદારોનો આક્ષેપ છે કે પ્રમુખ મહેકમ બાબતે જે જૂઠાણું ચલાવી રહ્યા છે તે તદ્દન ખોટું છે. વર્ષોથી સેવા આપતા કર્મીઓને કોઈ સેફ્ટી સાધનો આપવામાં આવતા નથી.
આંદોલન દરમિયાન જ્યારે બહારની ટીમની પૂછપરછ કરવામાં આવી રહી હતી, ત્યારે ડાકોર નગરપાલિકાના એક મેમ્બરના ભાઈ દર્શન ખંભોળજા નામના શખ્સે દારૂ પીધેલી હાલતમાં આવીને સફાઈ કામદારોને રોકવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ શખ્સે નશાની હાલતમાં ઝગડો કરી ગેરરીતિ આચારી હોવાનું પણ સામે આવ્યું છે.





