VIDEO: મોરબીમાં 135 લોકોના મોતના આરોપીની મોદક તુલા કરવામાં આવતા વિવાદ
મોરબીમાં ઝુલતા પુલકાંડના આરોપી જયસુખ પટેલનું જાહેરમાં સમ્માન કરવામાં આવતા વિ

મોરબીમાં ઝુલતા પુલકાંડના આરોપી જયસુખ પટેલનું જાહેરમાં સમ્માન કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે. 135 લોકોના મોતના જવાબદાર જયસુખ પટેલનું મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સમ્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પૂર્વ સાંસદ કુંવરજી બાવળિયા, દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમના પટેલ, મોરબીના ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયા સહિતના નેતા પણ હાજર રહ્યાં હતા.
જયસુખ પટેલનું સમ્માન કરવામાં આવતા વિવાદ
મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા મોરબી ઝુલતા પુલકાંડના આરોપીનું મોદક તુલા કરીને સમ્માન કરવામાં આવ્યું હતું. જયસુખ પટેલને મોરબીમાં આવવા માટે માત્ર 3 દિવસની છૂટ મળી છે. ત્રણ દિવસની છૂટમાં જયસુખ પટેલે પોતાનું સમ્માન ગોઠવ્યું હોવાની ચર્ચા છે.
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા 135 લોકોના થયા હતા મોત
મોરબીના મચ્છુ નદી પર આવેલા ઝુલતા પુલને રિપેર કરવાનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને આપવામાં આવ્યો હતો. પુલની મજબુતાઇ ચકાસ્યા વગર ઓરેવા ગ્રુપ દ્વારા આ બ્રિજને મુલાકાતીઓ દ્વારા ખુલ્લો મુકી દેવામાં આવતા પુલ ધસી પડ્યો હતો અને આ ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલ મોરબીમાં એક જાહેર કાર્યક્રમમાં જોવા મળતા વિવાદ ઉભો થયો છે.ઝુલતા પુલના પીડિત પરિવારોએ નારાજગી વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: અમદાવાદ/ બોપલમાં લાગેલી આગની ઘટનામાં એક મહિલાનું મોત, 20થી વધુ લોકોનું રેસક્યૂ કરાયું
શરતી જામીન પર છે જયસુખ પટેલ
ઓરેવાના માલિક જયસુખ પટેલની જામીન અરજી અગાઉ નામંજૂર થઇ હતી અને બાદમાં તેને મોરબી જિલ્લામાં નહીં પ્રવેશવાની શરતે જામીન મંજુર કરાયા હતા. કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં જયસુખ પટેલ મંચ ઉપર મુખ્ય મહેમાન બનીને આગલી હરોળમાં બેઠેલા જોવા મળ્યા હતા.
મળતા અહેવાલ અનુસાર જયસુખ પટેલને 13,14 અને 15 નવેમ્બર ત્રણ દિવસ પુરતી મોરબી વિસ્તારમાં પ્રવેશવાની છૂટ મળી છે તે છૂટનો લાભ લઇને તેઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.








