VIDEO: 'ભાજપ હાય...હાય...', વડોદરામાં પૂર બાદ કલેક્ટર કચેરીએ કોંગ્રેસ-પોલીસ વચ્ચે ઘર્ષણ
વડોદરામાં ભયાનક પૂરની સ્થિતિ બાદ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપને ઘેરવામાં કોઈ કચાશ બાકી રાખી નહોતી
વડોદરામાં ભયાનક પૂરની સ્થિતિ બાદ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપને ઘેરવામાં કોઈ કચાશ બાકી રાખી નહોતી. આજે વડોદરા કલેક્ટરની કચેરીએ પહોંચીને 'ભાજપ હાય...હાય...', 'શહેરના ધારાસભ્ય, સાંસદ, ગૃહમંત્રી-મુખ્યમંત્રી શરમ કરો...શરમ કરો...'ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસના દેખાવના આયોજનને પગલે પોલીસે કોંગ્રેસીઓને રોકવાના પ્રયાસ કર્યા હતા. જોકે કોંગ્રેસના કાર્યકરોએ જરાય કૂણું વલણ ન દાખવતાં આક્રમક રીતે નારેબાજી ચાલુ રાખતાં મામલો બિચક્યો હતો અને પોલીસ સાથે જ ઝપાઝપી થવા લાગી હતી.
કોંગ્રેસે આક્રમક દેખાવો કરીને કલેક્ટર કચેરી માથે લીધી હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે એવી શરત મૂકી હતી કે, પાંચ જ લોકો કલેક્ટરને આવેદનપત્ર આપવા જશે. પરંતુ કોંગ્રેસના તમામ કાર્યકરો કલેક્ટર કચેરીની ઑફિસમાં ઘૂસી ગયા હતા. આ તબક્કે શહેર કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોની પોલીસ સાથે ધક્કામુક્કી પણ થઈ હતી. કોંગ્રેસે આવેદનપત્ર આપીને પૂર પીડિતોને વળતર આપાવ માટે માગ કરી હતી. વિરોધ વધારે ઉગ્ર બની રહેલો જોઈને જોઇન્ટ પોલીસ કમિશ્નરને પણ કલેક્ટર કચેરી ખાતે દોડવુ પડ્યું હતું.




