VIDEO: અમદાવાદમાં સાઇનબોર્ડ પડતાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સદનસીબે પરિવારનો જીવ બચ્યો
અમદાવાદ શહેરમાં બિલ્ડીંગો અને રસ્તાના કિનારે મોટા મોટા સાઇનબોર્ડ અને જાહેરાતોના હોર્ડિંગ લગાવેલા
અમદાવાદ શહેરમાં બિલ્ડીંગો અને રસ્તાના કિનારે મોટા મોટા સાઇનબોર્ડ અને જાહેરાતોના હોર્ડિંગ લગાવેલા છે. આ હોર્ડિંગ અને સાઇનબોર્ડનું સ્ટ્રક્ચરની મજબૂતી સામે સવાલો ઉભા થયા છે. કારણ કે શહેરના કાંકરિયા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવેલું સાઇનબોર્ડ ધરાશાયી થતાં ટુ વ્હીલર પર જઇ રહેલા પરિવારને અકસ્માતનો ભોગ બન્યો છે. આ અકસ્માતમાં બાળક સહિત ત્રણ લોકોને ઇજા પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કાંકરિયા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્ય રોડ પર સાઇન બોર્ડ લગાવેલું છે. જે અચાનક ધરાશાયી થઇ ગયું હતું. આ દરમિયાન ત્યાંથી ટુ વ્હીલર પર પસાર થઇ રહેલા એક પરિવાર પર આ સાઇનબોર્ડ પડ્યું હતું. જેના લીધે એક બાળકોનો હાથ ભાંગી ગયો હતો, જ્યારે અન્ય બે લોકોને ઇજા પહોંચી હતી. અચાનક સાઇન બોર્ડ તૂટી પડતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. પરિવારના સભ્યોને હોસ્પિટલ ખસેડ્યા હતા.
સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી. જોકે કોઇ જાનહાનિ થઇ હોત તો કોણ જવાબદાર હોત? સાઇનબોર્ડની મજબૂતી સહિતના અનેક સવાલો મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે થઇ રહ્યા છે. સામાન્ય પવનમાં સાઇનબોર્ડ ધરાશાયી થઇ ગયું હતું. જો શહેરમાં ભારે પવન ફૂંકાય તો અમદાવાદમાં ઠેર-ઠેર લાગેલા મોટા મોટા હોર્ડિંગ અને સાઇનબોર્ડ તૂટી શકે છે અને મોટી જાનહાનિ પણ સર્જાઇ શકે છે.






