મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ હાઇવે પર કણભા પાસે પાર્ક કરેલી ટ્રકની પાછળ કારની ટક્કર, એકનું મોત, ત્રણ લોકો ઘાયલ

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર કણભા નજીક ચાંદીઅલ ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો

 અમદાવાદ-ઇન્દોર હાઇવે પર કણભા નજીક ચાંદીઅલ ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે હાઈવે પર પાર્ક થયેલા ટ્રકની પાછળ કારની ધડાકાભેર ટક્કર થઈ હતી. કણભા પાસે થયેલા ગંભીર અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે ત્રણ અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે ટ્રકની કારની ધડાકાભેર ટક્કર થઈ હતી. 

એકનું મોત અને ત્રણ ઘાયલ

યુવકો મિત્રની આઇસક્રીમની દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ઇન્દોરથી અમદાવાદ આવી રહ્યા હતા. કાર બેઠેલી ત્રણ વ્યક્તિને ઇજા થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કારચાલક બેભાન અવસ્થામાં મળ્યો હતો. કણભા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૃતકની થઈ ઓળખ

આ અકસ્માતના મૃતકની ઓળખ રજ્જુ ગૌડ તરીકે થઈ છે, જે પાછળની સીટ પર બેઠો હતો. આ સિવાય અન્ય ત્રણ ઈજાગ્રસ્તની ઓળખ અજય રાજપૂત, રાહુલ રાજપૂત અને પુષ્પક યાદવ તરીકે થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ, ડ્રાઇવર પુષ્પકની સ્થિતિ ગંભીર હોવાનું માલુમ પડ્યું છે.  

પોલીસે હાથ ધરી તપાસ 

હાલ સમગ્ર મામલે પોલીસે ડ્રાઇવર પુષ્પક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અન્ય ઈજાગ્રસ્તોના નિવેદન અને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.  

આ સમાચાર શેર કરો