VIDEO: 'આજે એક ભાઈને મેં ફોન કરીને વિશેષ હાજર રહેવા કહ્યું હતું' - કૌભાંડી ઝાલા વિશે સી.આર પાટીલ
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. BZ ગ્રુપનો C
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા એકના ડબલ કરવાની સ્કીમમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 6000 કરોડ ઉઘરાવ્યા પછી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ત્રણ વર્ષમાં પૈસા બમણા કરવાની લાલચ આપીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હજારો લોકોને છેતર્યા છે. સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યાનો ઘટસ્ફોટ CID ક્રાઇમે કર્યો છે.
જો કે આ વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ કહેતા જોવા મળે છે કે, ‘આજે મેં ભુપેન્દ્રસિંહ ઝાલાને ફોન કરી વિશેષ હાજર રહેવા કહ્યું હતું. તેમને સાબરકાંઠા લોકસભા પર અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. જો કે મેં ફોન કરીને ભુપેન્દ્રસિંહ ઝાલાને કહ્યું કે તમારું ફોર્મ ભાજપના હિતમાં નથી, તો તેમને બીજા જ દિવસે ફોર્મ પાછું ખેંચી લીધું’
સી.આર પાટીલનો આ વીડિયો વર્ષ 2024ની લોકસભા ચૂંટણી સમયનો છે જયારે ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ હતું. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભુપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપમાંથી ટિકિટ માંગી હતી પરંતુ ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી. જેને લઈને ભુપેન્દ્રસિંહે ભાજપને પોતાની તાકાત બતાવવા માટે અપક્ષ ફોર્મ ભર્યું હતું. જો કે 2 દિવસ બાદ જ ફોર્મ પરત પણ ખેંચી લીધું હતું.
કૌભાંડ પકડાતા ભાજપે છેડો ફાડ્યો
સાબરકાંઠા - અરવલ્લી જિલ્લામાં બીઝેડ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા થયેલ કરોડો રૂપિયાના કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે. સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે કહ્યું કે, ‘ભુપેન્દ્રસિંહ ઝાલા પક્ષનો પ્રાથમિક સભ્ય હોઈ શકે છે. દેશભરમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન સમયે ભાજપનો સભ્ય બન્યો હશે. ભાજપમાં કોઈ હોદ્દો ભુપેન્દ્રસિંહ ઝાલા ધરાવતો નથી. ભુપેન્દ્રસિંહ ઝાલાએ ધારાસભ્યો અને મંત્રીઓને જ્યારે કાર્યક્રમમાં બોલાવ્યા હતા એ સમયે કોઈ ગુન્હામાં સંડોવાયેલ નહોતો. પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે’








