BUDGET 2026 / રોજગાર સર્જન પર શશિ થરૂરનો સવાલ, સરકારની આર્થિક નીતિ પર નિશાન
કેન્દ્ર સરકાર આજે સંસદમાં સામાન્ય બજેટ 2026 રજૂ કરવા જઈ રહી છે, ત્યારે આ બજેટને લઈન

કેન્દ્ર સરકાર આજે સંસદમાં સામાન્ય બજેટ 2026 રજૂ કરવા જઈ રહી છે, ત્યારે આ બજેટને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરે બજેટ પહેલા મહત્વપૂર્ણ નિવેદન આપીને સરકારની આર્થિક નીતિઓ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે માત્ર આર્થિક વૃદ્ધિ (Economic Growth) પૂરતી નથી, પરંતુ આ વૃદ્ધિ સાથે રોજગારનું સર્જન થવું પણ એટલું જ જરૂરી છે.
દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન શશિ થરૂરે જણાવ્યું હતું કે, “અમે સૌ આ સાંભળવાની રાહ જોઈ રહ્યા છીએ કે નાણામંત્રી બજેટમાં શું કહે છે. ઇકોનોમિક સર્વેમાં દેશની અર્થવ્યવસ્થામાં સારી વૃદ્ધિનો અંદાજ મૂકવામાં આવ્યો છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું આ ગ્રોથ સાથે રોજગાર પણ સર્જાશે? રોજગાર વગરની ગ્રોથથી દેશના સામાન્ય નાગરિકોનું કોઈ ભલું થતું નથી.”
શશિ થરૂરે ખાસ કરીને દેશના યુવાનોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ભારતની સૌથી મોટી શક્તિ તેની યુવા વસ્તી છે, પરંતુ જો આ યુવાનોને પૂરતા રોજગારના અવસર નહીં મળે તો આ શક્તિ ભાર બની શકે છે. “અમે આતુર છીએ એ જાણવા માટે કે સરકાર પાસે ભારતના યુવાનો માટે વધુ રોજગાર સર્જન કરવા માટે કઈ પ્રકારની યોજના છે,” તેમ તેમણે ઉમેર્યું.






