VIDEO: પ્રતાપ સારંગી પછી ભાજપના વધુ એક સાંસદ ICUમાં દાખલ, રાહુલ ગાંધી પર ધક્કા મારવાનો આરોપ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ પ્રતાપ સિંહ સારંગી તેમજ મુકેશ રાજપૂત પણ ઘાયલ થયા છે. બીજેપી સાંસદ મ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ પ્રતાપ સિંહ સારંગી તેમજ મુકેશ રાજપૂત પણ ઘાયલ થયા છે. બીજેપી સાંસદ મુકેશ રાજપૂતની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે ,અને તેમને RML હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. મુકેશ રાજપૂત ફરુખાબાદ લોકસભા સીટથી સાંસદ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘાયલ ભાજપના સાંસદ સાથે ફોન પર વાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘાયલ ભાજપના સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત સાથે ફોન પર વાત કરી હતી. તેની સ્થિતિ વિશે જાણવા માટે. આંબેડકર મુદ્દે સંસદમાં થયેલી મારામારીમાં આ બંને સાંસદો ઘાયલ થયા હતા. બાદમાં તેમને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પીએમ મોદીએ બંને સાંસદો સાથે ફોન પર વાત કરી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.
ભાજપના સાંસદ ઘાયલ થતાં માહોલ બગડ્યો
ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે ધક્કામુક્કીમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગીને ધક્કો વાગતા તે પડી ગયા અને તેમને ઈજા થઈ હતા. ભાજપ સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ જણાવ્યું હતું કે, 'રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો હતો જે મારી ઉપર પડ્યાં હતા. જેના લીધે હું દબાઈ ગયો. હું પગથિયાં પર ઊભો હતો.'
ભાજપે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
સંસદની બહાર થયેલી ધક્કામુક્કી લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપનો આરોપ છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના બે સાંસદોને ધક્કો માર્યો હતો. જો કે કોંગ્રેસે ભાજપના આરોપોને ખોટા ગણાવ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, 'સંસદ કુશ્તી અને સ્માર્ટનેસ બતાવવાનું પ્લેટફોર્મ નથી.'
કોંગ્રેસે આપ્યો વળતો જવાબ
જેની સામે કોંગ્રેસે પણ વળતો પ્રહાર કરતાં આરોપ લગાવ્યાં કે ભાજપના સાંસદોએ અમને સંસદમાં જતાં જ અટકાવી દીધા હતા. ભાજપના સાંસદોએ પ્રિયંકા ગાંધી અને મલ્લિકાઅર્જુન ખડગે સાથે ધક્કામુક્કી કરી હતી. રાહુલે કહ્યું કે, 'મને પોતે એ લોકોએ ધક્કો માર્યો અને સંસદમાં જતો અટકાવ્યો હતો. ભાજપના સાંસદો અમને ધમકાવી રહ્યા હતા અને ડો. આંબેડકરનું અપમાન કરે છે. આ લોકો કહે છે કંઇ અને કરે છે કંઇ. સંસદમાં જવાનો મારો અધિકાર છે અને તેઓ મારો આ અધિકાર છીનવી રહ્યા હતા.'
આંબેડકરજીનું ફરી અપમાન: કેસી વેણુગોપાલ
ડો. આંબેડકર અંગે કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, 'આખા દેશના લોકો અમિત શાહ અને ભાજપના આ વલણથી દુ:ખી છે. બુધવારે અમે સંસદની અંદર અને બહાર આ મુદ્દો ઊઠાવ્યો હતો. અમે ડો. આંબેડકરની તસવીર બતાવી રહ્યા છીએ, તેમણે તે જગ્યાએ (જ્યોર્જ) સોરોસની તસવીર મૂકી છે. આ સ્પષ્ટપણે આંબેડકરજીનું ફરીથી અપમાન છે.'







