World Liver Day 2026: લિવર ડિટોક્સના નામે તમે છેતરાઈ તો નથી રહ્યા ને? જાણો લિવર હેલ્થ સાથે જોડાયેલા મોટા ભ્રમ અને તેનું સત્ય
શું તમને વારંવાર પેટમાં દુખાવો, પાચનતંત્ર ખરાબ રહે છે, અથવા તમારા ચહેરા અને આંખો પીળા પડી જવાની સમસ્યા થાય

શું તમને વારંવાર પેટમાં દુખાવો, પાચનતંત્ર ખરાબ રહે છે, અથવા તમારા ચહેરા અને આંખો પીળા પડી જવાની સમસ્યા થાય છે? સાવધાન રહો - આ લિવર રોગના સંકેતો હોઈ શકે છે જેને ગંભીર અને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. લિવર સંબંધિત સમસ્યાઓને અવગણવાથી એવી ગૂંચવણો થઈ શકે છે જે તમારા એકંદર સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે. ખરાબ જીવનશૈલી પસંદગીઓ અને આહારની અનિયમિતતાઓએ લીવરને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે, પરિણામે લિવર સંબંધિત ગંભીર સ્થિતિઓ - જેમ કે ફેટી લીવર, હેપેટાઇટિસ, સિરોસિસ જેવી લિવરની સમસ્યા વધી રહી છે.
આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપે છે કે પ્રોસેસ્ડ અને જંક ફૂડનો વધુ પડતો વપરાશ, દારૂનો દુરુપયોગ, સ્થૂળતા અને બેઠાડુ જીવનશૈલી યુવાનોને પણ લીવર રોગોનો ભોગ બનાવી રહી છે. લીવર રોગો વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા અને તેના વહેલા નિદાન અને સારવાર વિશે લોકોને શિક્ષિત કરવા માટે દર વર્ષે 19 એપ્રિલે વિશ્વ લીવર દિવસ ઉજવવામાં આવે છે.
ખોટી માહિતી લિવરના સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો કરે છે
ડોક્ટરો કહે છે કે લિવરના સ્વાસ્થ્ય માટે ખતરો ફક્ત રોગ જ નથી, પરંતુ તેની આસપાસ ફેલાયેલી ખોટી માહિતી છે. લિવર અંગેની અસંખ્ય મિથ્સ અને ગેરમાન્યતાઓ લોકોના મનમાં મૂળ પકડી ચૂકી છે, અને આપણે તેને સત્ય તરીકે સ્વીકારવાનું ચાલુ રાખ્યું છે. આવી ખોટી માહિતી તમને યોગ્ય તબીબી સારવાર મેળવવાથી રોકી શકે છે.
આને ધ્યાનમાં રાખીને, લિવરના સ્વાસ્થ્ય વિશે માહિતગાર રહેવું અને સચોટ અને અચોક્કસ માહિતી વચ્ચે તફાવત કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ ચિંતાઓને સંબોધતા આ વર્ષના લીવર દિવસની થીમ ",‘સોલિડ હેબિટ, સ્ટ્રોંગ લિવર’ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. અહીં જાણો લિવર સાથે સંકળાયેલી કેટલીક સામાન્ય માન્યતાઓ વિશે.
લિવર ડિટોક્સ માટે અલગ ખોરાક કે પીણાં જરૂરી
- જ્યારે એ સાચું છે કે લિવર શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ત્યારે તેને યોગ્ય રીતે કાર્ય કરવા માટે કોઈ ચોક્કસ આહાર કે સફાઈની જરૂર નથી.
- લિવર કુદરતી રીતે લોહીને ફિલ્ટર કરવા અને પિત્ત બનાવવા જેવી પ્રક્રિયાઓ દ્વારા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે.
- ડિટોક્સ ડાયેટ કે પીણાં પર આધાર રાખવાને બદલે સંતુલિત આહાર જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરો.
- લિવરને સ્વસ્થ રાખવા માટે ફળો, શાકભાજી, લો ફેટ પ્રોટીન અને આખા અનાજ પૂરતા છે.
દારૂ એ લીવરને નુકસાન પહોંચાડવાનું એકમાત્ર કારણ છે
- એ વાત બિલકુલ સાચી છે કે વધુ પડતા દારૂના સેવનથી લિવરને નુકસાન થાય છે. તે સ્ટીટોટિક લિવર ડિસીઝ, હેપેટાઇટિસ અને સિરોસિસ જેવી સ્થિતિઓનું કારણ બને છે, જોકે, આ એકમાત્ર કારણ નથી.
- તમને જન્મજાત લિવરની બીમારી હોઈ શકે છે, અથવા આ બીમારી તમારી ખાવાની આદતોને કારણે થઈ શકે છે.
- તમે ઓટોઇમ્યુન લિવર ડિસીઝથી પણ પીડાઈ શકો છો.
- હેપેટાઇટિસ જેવા ચેપ પણ લિવરની ગંભીર ગૂંચવણો તરફ દોરી શકે છે.
લિવર ડેમેજના લક્ષણો તરત જ દેખાય છે
- એવું જરૂરી નથી કે લિવરની સમસ્યાનો સામનો કરતી વખતે તમને તાત્કાલિક સ્પષ્ટ લક્ષણોનો અનુભવ થાય. ઘણીવાર વધુ નુકસાન થયા પછી પણ લિવર સામાન્ય રીતે કાર્ય કરવાનું ચાલુ રાખે છે. જો કે, ચોક્કસ ચેતવણી લક્ષણો પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- થાક, ત્વચા પીળી પડવી (કમળો), પેટમાં દુખાવો અને સોજો જેવા લક્ષણો ત્યારે જ દેખાઈ શકે છે જ્યારે લિવરને પહેલાથી જ વધું નુકસાન થયું હોય.
- લિવર સંબંધિત સમસ્યાઓની વહેલી તપાસ અને નિવારણ માટે નિયમિત તપાસ જરૂરી છે.
સપ્લીમેન્ટ લિવરના રોગ સામે રક્ષણ આપી શકે છે
- ડોક્ટરો જણાવે છે કે એવી કોઈ જાદુઈ ગોળી કે સપ્લીમેન્ટ નથી જે સ્વતંત્ર રીતે લિવર રોગનો ઇલાજ કરી શકે અથવા લિવરના નુકસાન સામે રક્ષણ આપી શકે.
- હકીકતમાં ઘણા સપ્લીમેન્ટ પણ લિવરના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.
- કોઈપણ નવી દવા કે આહાર જાતે શરૂ કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.






