VIDEO: બનાસકાંઠામાં મતદાન મથકો પર લાંબી લાઈનો, વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ
બનાસકાંઠા જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જિલ્લા પંચાયત
બનાસકાંઠા જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઈ ગયું છે. જિલ્લાના કુલ 15.79 લાખથી વધુ મતદારો ઉમેદવારોનું ભાવી નક્કી કરવાના છે, જેને લઈને મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ બનાવવા માટે જિલ્લાના 1961 મતદાન મથકો પર કુલ 9032 EVM મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં પંચાયત ચૂંટણી માટે 4078 CU અને 4078 BU તથા નગરપાલિકા માટે 292 CU અને 584 BU મશીનો કાર્યરત છે.
નગરપાલિકાઓની વાત કરીએ તો, ડીસા પાલિકાની 44માંથી 9 બેઠકો અને પાલનપુર પાલિકાની 44માંથી 4 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જ્યારે ધાનેરા પાલિકાની 28 બેઠકો માટે હાલ રસાકસીભર્યું મતદાન ચાલી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને 15,000થી વધુ પોલિંગ સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે. લોકશાહીના આ પર્વમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ભારે જાગૃતિ બતાવી રહ્યા છે.




