મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાયન્સ સિટી રોડ પર શખ્સોએ 3 કરોડની ઉઘરાણી કરીને વેપારીને ધમકીઓ આપીને 2 લોકો પર હુમલો કર્યો, CCTVના આધારે તપાસ શરૂ

Ahmedabad news: શહેરમાં આંગડિયા પેઢી ધરાવતા શખ્સે તેન

Ahmedabad news: શહેરમાં આંગડિયા પેઢી ધરાવતા શખ્સે તેના સાગરિતો સાથે મળીને એક વેપારીની ઓફિસમાં તોફાન મચાવ્યુ હતું. આ શખ્સોએ વેપારી પાસે ત્રણ કરોડ માંગીને ધમકીઓ આપી હતી. વેપારીના મિત્રો ત્યાં હાજર હતા તો તેમના પર પણ હથિયારોથી હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

સંજયભાઇ પાસે ત્રણ કરોડની માંગણી 

સોલા સાયન્સ સીટી રોડ પર રહેતા સંજય સોની ફોર્ચ્યુન બિઝનેસ પાર્કમાં ઓફિસ ધરાવે છે. સંજયભાઇએ ચારેક વર્ષ સુધી વિક્રમ દેસાઇ સાથે આંગડિયા પેઢી ચલાવી હતી. જેનો હિસાબ પૂરો થઇ હતો અને સંજયભાઇએ તેમના મિત્ર સુનિલ ભંડારીની વિક્રમ સાથે મુલાકાત કરાવી હતી. જે બાદ તે બંને અંદરોઅંદર નાણાંકીય વ્યવહાર કરતા હતા. ગત તા.8મીએ વિક્રમ દેસાઇએ ફોન કરીને સંજયભાઇ પાસે ત્રણ કરોડની માંગણી કરી હતી. વિક્રમે ઘરે રૂપિયા લેવા આવીશ તેમ કહેતા સંજયભાઇે રૂપિયા આપવાના થતા નથી તેમ કહેતા વિક્રમે ફોન મૂકી દીધો હતો. બાદમાં વિક્રમ દેસાઇ અને તેનો સાગરિત ફુલા રબારી વેપારી સંજયભાઇના ઘરે આવી ગયા હતા.

જોકે, સંજયભાઇ ઘરે ન હોવાથી બંનેને સોમવારે ઓફિસે બોલાવ્યા હતા. ત્યારે વિક્રમે સાંજે ઓફિસે આવીએ ત્યારે ત્રણ કરોડ તૈયાર રાખજે નહિ તો પતાવી દઇશુ તેવી ધમકી આપી હતી. જે બાદ બંને ગત તા.11મીએ સંજયભાઇની ઓફિસે ગયા હતા અને ત્રણ કરોડ માંગીને ગાળાગાળી કરી હતી. ત્યારે ત્યાં હાજર સંજયભાઇના પાડોશી કેતનભાઇ પટેલ સમજાવવા જતા તેમને માર માર્યો હતો. બહાર બેઠેલા વિક્રમ દેસાઇના સાગરિતોએ હથિયાર વડે હુમલો કર્યો હતો

જ્યારે ફુલા રબારીએ પણ હુમલો કરીને ધમકીઓ આપી હતી. કેતનભાઇને લોહી નીકળતા તેમના ભાગીદાર સંજય ભરવાડને સારવાર અર્થે લઇ જવા બોલાવતા શખ્સોએ તેમની પર પણ હુમલો કર્યો હતો. આખરે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં મામલો પોલીસમથકે પહોંચ્યો હતો. જ્યાં બોડકદેવ પોલીસે વિક્રમ દેસાઇ અને ફુલા રબારી સહિતના લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

સંજય સોનીએ દાવો કર્યો કે, 'જ્યારે મેં અને મારા સાથીઓએ વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો, ત્યારે અમારા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મારામારી દરમિયાન, વિક્રમ રબારીના એક સાથીએ સંજય ભરવાડને છરીના પાછળના ભાગથી માર માર્યો, જ્યારે કેતન પટેલને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને અન્ય એક સાથીને કાનમાં ઈજા થઈ તેમજ અન્ય બેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ મારામારી દરમિયાન, એક હુમલાખોરે ભોગ બનનાર પર ઈંટ પણ ફેંકી હતી.'

આ સમાચાર શેર કરો