Video: વોટર મીટર લગાવવા AMC એ પ્રજાનાં પૈસા વેડફ્યા, ચોરાયેલા મીટરની કાર્યવાહી કરવામાં પણ ઉદાસીન વલણ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 10 વર્ષથી વોટર મીટર પોલીસીની વાત
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 10 વર્ષથી વોટર મીટર પોલીસીની વાત કરવામાં આવે છે પરંતુ તેનો અમલ થયો નથી. AMC દ્વારા શહેરના નવા રહેણાંક અને કોમર્શિયલ એકમમાં વોટર મીટર લગાવવા ૫૦ કરોડ ઉઘરાવાયા પણ મીટર લગાવવામાં આવ્યા નથી.પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત દસ વર્ષ પહેલા જોધપુર વોર્ડમાં લગાવેલા વોટર મીટર ખરાબ થઈ ગયા છે. જેથી શોભાના ગાંઠિયા બનેલા વોટર મીટર પાછળ નો ખર્ચ માથે પડ્યો છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાણીનો દુરુપયોગ ઘટે તે માટે વોટર પોલિસી લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો પણ હજુ આ પોલીસીનું અમલીકરણ કરાયું નથી. AMC એ ૨૦૧૪માં નિર્ણય કર્યો હતો કે નવી બનતી ઇમારતોમાં વોટર મીટર ફરજિયાત છે. વોટર મીટર વગર બી યુ આપવામાં આવશે નહી. ૨૪ કલાક પાણી યોજના અંતર્ગત જોધપુર વોર્ડમાં વોટર મીટર લગાવી દેવામાં આવ્યા પણ કયારેય તેના બિલ આવ્યા નથી.
મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬માં દસ હજાર વોટર મીટર ખરીદવામાં આવ્યા હતા, ત્યારબાદ કોઈ મીટર ખરીદવામાં આવ્યા નથી. જોધપુરમાં પણ હજુ અનેક વિસ્તારોમાં મીટર લગાવવાના બાકી છે તો શહેરની વાત ક્યાં કરવી? ખરીદવામાં આવેલા 10000 મીટરમાંથી ૧.૫૮ કરોડના ૪૬૧૨ મીટર ચોરાઈ ગયા હતા છતાં આ અંગે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. AMC ના શાસકો આ બાબત અંગે મૌન સેવી રહ્યા છે.
વર્ષો થી AMC દ્વારા ૨૪ કલાક પાણીની વાત કરવામાં આવે છે પણ હકીકત એ છે કે હજુ અનેક વિસ્તારમાં પૂરતું પાણી મળતું નથી. ગંદા પાણીને કારણે લોકો બીમાર પણ પડી રહ્યા છે. હવે આ અંગે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.







