Video: આ ઈ-મેઈલ આઈડી પરથી શાળાઓને ઉડાવી દેવાનો આવ્યો હતો મેસેજ, ધમકી માત્ર અફવા હોવાનું તપાસમાં ખૂલ્યું
અમદાવાદમાં ગઈ કાલે (બુધવારે) વહેલી સવારથી જ શાળાઓ અને સરકારી સંસ્થાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
અમદાવાદમાં ગઈ કાલે (બુધવારે) વહેલી સવારથી જ શાળાઓ અને સરકારી સંસ્થાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદની અંદાજે 23 જેટલી પ્રતિષ્ઠિત શાળાઓ અને સાબરમતી સેન્ટ્રલ જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. જોકે, સઘન તપાસ બાદ કંઈ પણ વાંધાજનક ન મળી આવતા આ ધમકી માત્ર એક 'હોક્સ' (અફવા) હોવાનું બહાર આવ્યું છે.
વિદેશી આઈડી પરથી મોકલાયા ઈમેઈલ
તપાસમાં જાણવા મળ્યું છે કે આ ધમકીભર્યા મેઈલ ફેક નામો ધરાવતા ત્રણ અલગ-અલગ વિદેશી સર્વર અને ઈમેઈલ આઈડી (હોટમેલ અને એટોમિક મેલ) પરથી મોકલવામાં આવ્યા હતા. તમામ 23 શાળાઓ અને જેલ પ્રશાસનને મોકલવામાં આવેલા મેઈલનું લખાણ એક સમાન હતું, જે સૂચવે છે કે આ કોઈ એક વ્યક્તિ અથવા સંગઠિત ગ્રુપનું સુનિયોજિત કૃત્ય હોઈ શકે છે. ધમકી માટે કુલ ત્રણ અલગ-અલગ ઈમેઈલ આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં બે હોટમેલ, એક એટોમિક મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જેમાં મુનરો ક્વિકેલ હોટમેઈલ, મેઝિ લોબ્સચર હોટમેઈલ અને સેન્ટોશ જી મેલ દ્વારા બોમ્બની ધમકી ભર્યા મેઈલ કરવામાં આવ્યા હતા.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓનું સર્ચ ઓપરેશન
ધમકી મળતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ સાથે પોલીસની ટીમો જે-તે સ્થળે પહોંચી ગઈ હતી. કલાકોની જહેમત બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા પોલીસે સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે આ મેઈલ માત્ર ડર ફેલાવવા માટે કરવામાં આવ્યા હતા.
સાયબર ક્રાઇમની એક્શન: FIR દાખલ
આ ગંભીર મામલાને જોતા અમદાવાદ સાયબર ક્રાઇમે બુધવારની મોડી રાત્રે જ કન્સોલિડેટેડ FIR દાખલ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ ઇમેઇલ્સનું કન્ટેન્ટ એકસરખું જ હતું, જે સૂચવે છે કે આ કોઈ એક વ્યક્તિ અથવા ચોક્કસ ગ્રુપનું કામ હોઈ શકે છે. સાયબર એક્સપર્ટ્સ હાલમાં VPN (Virtual Private Network) ના ઉપયોગ અને ઇમેઇલ કયા દેશમાંથી આવ્યા છે? સ્થાનિક સ્તરે કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. હોક્સ બોમ્બ થ્રેડ મેઈલના કારણે લોકોને ડરવાની જરૂર નથી, તેમ સાયબર ક્રાઇમે જણાવ્યું છે.
વાલીઓ અને નાગરિકોને કરાઈ હતી અપીલ
શહેર પોલીસ કમિશનર અને વહીવટી તંત્ર દ્વારા શહેરના નાગરિકો, ખાસ કરીને વાલીઓને અપીલ કરવામાં આવી હતી કે, 'કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. આ એક હોક્સ મેઈલ હતો. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહો અને શાળાઓમાં સુરક્ષાની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.'











