'અમને પરમાણુ ઊર્જા વિકસાવવાનો સંપૂર્ણ અધિકાર', UNમાં ઈરાની પ્રમુખ પેઝેશ્કિયાને અમેરિકાને આપ્યો વળતો જવાબ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ઈરાનના રાષ્ટ્રપ્રમુખે અમેરિકા અને ઈઝરાયેલ સામે આકરા પ્રહારો કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ દ્વારા ઈરાનને આતંકવાદનું સમર્થક ગણાવવા મામલે વળતો પ્રહાર કરતાં ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે, ઈરાન પોતે આતંકવાદનો ભોગ બન્યું છે અને પરમાણુ ઊર્જા મેળવવી એ ઈરાનનો મૂળભૂત અધિકાર છે. ઈરાની રાષ્ટ્રપ્રમુખનું ભાષણ શરૂ થતાં જ અમેરિકી પ્રતિનિધિમંડળ સભાખંડ છોડીને બહાર નીકળી ગયું હતું.
ટ્રમ્પના આરોપો સામે ઈરાનનો વળતો જવાબ
ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન (Iran President Masoud Pezeshkian)એ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ના નિવેદન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રમાં આપેલા ભાષણમાં ઈરાનને આતંકવાદનું મોટું સ્પોન્સર ગણાવી તેના આર્થિક બહિષ્કારની અપીલ કરી હતી તેમજ કરાર ન થવા પર સૈન્ય કાર્યવાહીની ચેતવણી આપી હતી. ટ્રમ્પના આ નિવેદનના જવાબમાં પેઝેશ્કિયાને જણાવ્યું કે, ‘ટ્રમ્પે ઈરાનને આતંકવાદી ગણાવ્યું, જ્યારે વાસ્તવિકતા એ છે કે, ઈરાન ખુદ આતંકવાદ સામે લડી રહ્યું છે અને પોતાના રક્ષણ માટે મજબૂતીથી ઊભું છે. આધુનિક ટેકનોલોજી અને હથિયારોથી હુમલા થવા છતાં ઈરાને ક્યારેય ઘૂંટણ ટેકવ્યા નથી.’
પેઝેશ્કિયાને સુપ્રીમ લીડર અને નિર્દોષ બાળકોની તસવીરો દર્શાવી
પોતાના સંબોધન દરમિયાન પેઝેશ્કિયાને સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા અને ઈરાનની એક શાળા પર થયેલા હુમલાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સભામાં નિર્દોષ બાળકોની તસવીરો બતાવતાં કહ્યું કે, ‘આ બાળકોએ કોઈ ગુનો કર્યો નહોતો, છતાં અમેરિકન અને ઈઝરાયેલી હથિયારોથી થયેલા હુમલામાં તેમણે જીવ ગુમાવવો પડ્યો હતો. આવા હિંસક કૃત્યો આચરનારા અને તેમને તાલીમ આપનારા વાસ્તવિક આતંકવાદી છે, જ્યારે ઈરાન માત્ર પોતાનો સ્વબચાવ કરી રહ્યું છે.’
ઈઝરાયેલ સામે ગંભીર આક્ષેપો અને ગાઝાનો ઉલ્લેખ
ઈરાની રાષ્ટ્રપ્રમુખે ઈઝરાયેલ પર સામાન્ય નાગરિકોને નિશાન બનાવીને હત્યા કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે ગાઝાની સ્થિતિનો સંદર્ભ આપતાં દાવો કર્યો કે, ગાઝામાં 80 હજારથી વધુ નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે. આ સાથે તેમણે મિનાબમાં સ્કૂલી બાળકો અને નાગરિક વિસ્તારો પર અગાઉ થયેલા હુમલાઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. હોર્મુઝ, ન્યુક્લિયર એનર્જી અને લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો અંગે વાત કરતાં તેમણે સ્પષ્ટ કર્યું કે, પરમાણુ ઊર્જા વિકસાવવાનો ઈરાનને સંપૂર્ણ અધિકાર છે અને કોઈપણ દબાણ સામે દેશ ઝૂકશે નહીં.

