ટ્રમ્પની હારથી વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચા શરૂ; બ્રિટન, રશિયા, ઈરાન સહિતના દેશોની પ્રતિક્રિયા

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ જોરદાર પ્રદર્શન કરીને સંસદના બંને ગૃહો (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ) પર મજબૂત પકડ જમાવી છે. રિપબ્લિકન પાર્ટી અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ ચૂંટણી પરિણામો એક મોટા આંચકા સમાન સાબિત થયા છે. આ ઐતિહાસિક રાજકીય ઉલટફેર બાદ વિશ્વભરના નેતાઓ તરફથી પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ ગઈ છે, જેમાં કેટલાક દેશોએ આ પરિણામોને આવકાર્યા છે તો કેટલાકે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે.
કમલા હેરિસે ટ્રમ્પની હારની ઉડાવી મજાક
ચૂંટણી પરિણામોમાં રિપબ્લિકન પાર્ટીની હાર નજીક આવતી જોઈ પૂર્વ ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસે ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરો કટાક્ષ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ હસતાં હસતાં ટ્રમ્પની હારની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા. તેમનો આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
બરાક ઓબામા: અમેરિકાએ વિભાજન નહીં પણ એકતા પસંદ કરી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, અમેરિકાના નાગરિકોએ પરિણામો દ્વારા એકદમ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. જનતા ભાગલાવાદી રાજનીતિને બદલે એકતા ઈચ્છે છે અને દેશને એવા નેતાઓની જરૂર છે જે જટિલ સમસ્યાઓના વ્યવહારુ અને નક્કર ઉકેલ લાવી શકે.
સ્પેન : નફરત અને અમીરોના વિશેષાધિકાર વિરુદ્ધ જનાદેશ
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે કટાક્ષ કરવાની સાથે પરિણામોનું સ્વાગત કરતાં જણાવ્યું કે, અમેરિકાની જનતાએ માત્ર ગરીબી પેદા કરતી નીતિઓ સામે મતદાન કર્યું છે. આ પરિણામો નફરત, પુરુષપ્રધાન માનસિકતા, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જને નકારનારાઓ તથા માત્ર અમુક ધનિક વર્ગના વિશેષાધિકારોની વિરુદ્ધમાં લોકોનો સીધો જનાદેશ છે.
ઈરાન: યુદ્ધની નીતિને જનતાએ નકારી
ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબાફે જણાવ્યું કે અમેરિકન મતદારોએ આ ચૂંટણી દ્વારા સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો છે કે તેઓ યુદ્ધ ઈચ્છતા નથી. તેમણે ઉમેર્યું કે શાંતિ અને ‘યુદ્ધ નહીં’ના આ સંદેશનું ઈરાન સમર્થન કરે છે.
રશિયા : ટ્રમ્પ હજુ સત્તા પર, શાંતિના પ્રયાસો ચાલુ રહે તેવી આશા
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પદ પર કાયમ છે અને રશિયાને આશા છે કે તેઓ વૈશ્વિક સ્તરે શાંતિ સ્થાપવાના પ્રયાસો આગળ વધારશે. બીજી તરફ રશિયન સાંસદ લિયોનિદ સ્લુત્સ્કીએ જણાવ્યું કે હાલ કોઈ અંતિમ તારણ કાઢવું વહેલું ગણાશે, પરંતુ હાલમાં ટ્રમ્પ સંપૂર્ણપણે પ્રતિકૂળ અને નકારાત્મક સ્થિતિમાં મુકાઈ ગયા છે.
બ્રિટન : લોકશાહીની મહત્વપૂર્ણ રાત, સંબંધો મજબૂત રહેશે
યુકેના સ્વાસ્થ્ય મંત્રી જેમ્સ ફ્રિથે આ પરિણામોને ડેમોક્રેટ્સ અને અમેરિકન લોકશાહી માટે એક અત્યંત મોટી અને મહત્વપૂર્ણ રાત ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે બ્રિટન અમેરિકા સાથેના પોતાના મજબૂત દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં પણ અકબંધ રાખશે.
નોર્વે : મતદારોના મોટા પરિવર્તનનો રાજકીય સંકેત
નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરે જણાવ્યું હતું કે મિડટર્મ ચૂંટણીના આ પરિણામો અમેરિકન મતદારોના માનસમાં આવેલા વ્યાપક બદલાવ અને નવી રાજકીય દિશા તરફનો સ્પષ્ટ અને મજબૂત સંકેત આપે છે.
દક્ષિણ આફ્રિકા : વૈશ્વિક સંબંધોમાં નવા યુગનો પ્રારંભ
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરીલ રામાફોસાએ જણાવ્યું કે ડેમોક્રેટિક પાર્ટીને સંસદના બંને ગૃહો પર મળેલો વિજય આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત કરશે. તેમણે આશા દર્શાવી કે ટ્રમ્પના વહીવટમાં બંને દેશો વચ્ચે સર્જાયેલો તણાવ હવે દૂર થશે અને દ્વિપક્ષીય સંબંધો વધુ સારા બનશે.








