અબુ ધાબીના લકી ડ્રોમાં 4 ભારતીયોની કિસ્મત ચમકી, દરેકને મળશે 200 ગ્રામ સોનું

વિદેશમાં કામ કરતા ચાર ભારતીયો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબીમાં યોજાતા લોકપ્રિય ‘બિગ ટિકિટ ડ્રો’ના ઓક્ટોબરના ત્રીજા સાપ્તાહિક ઈ-ડ્રોમાં ચાર ભારતીયોએ 200-200 ગ્રામ સોનાના બિસ્કિટ જીત્યા છે. વિજેતાઓને 24 કેરેટ સોનું આપવામાં આવશે. અહેવાલ મુજબ, દરેક ઈનામની અંદાજિત કિંમત 96,500 UAE દિરહામ એટલે કે ભારતીય ચલણમાં આશરે ₹23 લાખ છે. આ ચાર વિજેતાઓમાં અરુણા કૃષ્ણપ્પા કિડિયૂર, જિજોય વિશ્વન, સદાદુલ્લા શરીફ અને મનીષા હર્ષલ કસાટનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે વિજેતાઓમાં બહેરીનમાં ઓફિસ બોય તરીકે કામ કરતા એક સામાન્ય કર્મચારીનો પણ સમાવેશ થાય છે.
23 વર્ષથી બહેરીનમાં રહેતા અરુણા કિડિયૂરની કિસ્મત ચમકી
45 વર્ષીય અરુણા કૃષ્ણપ્પા કિડિયૂર છેલ્લા 23 વર્ષથી બહેરીનમાં રહે છે અને ઓફિસ બોય તરીકે નોકરી કરે છે. તેઓ અગાઉ પણ બિગ ટિકિટ ડ્રોમાં ભાગ લેતા હતા, પરંતુ છેલ્લા ચાર મહિનાથી મિત્રો સાથે મળીને નિયમિત ટિકિટ ખરીદી રહ્યા હતા. 200 ગ્રામ સોનું જીત્યાના સમાચાર મળતાં તેઓ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. અરુણાએ જણાવ્યું કે ઈનામનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે હજુ નિર્ણય લીધો નથી. તેમણે લોકોને આશા ન છોડવા અને નસીબ અજમાવતા રહેવાની સલાહ પણ આપી હતી.
શારજહાંમાં રહેતી મનીષાએ એકલા ખરીદી હતી ટિકિટ
30 વર્ષીય મનીષા હર્ષલ કસાટ મૂળ મુંબઈનાં રહેવાસી છે અને છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી શારજહાંમાં ફ્રીલાન્સર તરીકે કામ કરે છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી બિગ ટિકિટ ડ્રોમાં ભાગ લેતાં હતાં. અગાઉ તેઓ ક્યારેક એકલા તો ક્યારેક અન્ય લોકો સાથે મળીને ટિકિટ ખરીદતાં હતાં. જોકે, આ વખતે તેમણે પોતાના માટે એકલી ટિકિટ ખરીદી હતી અને 200 ગ્રામ સોનું જીતવામાં સફળ રહ્યાં હતાં. મનીષાએ ભવિષ્યમાં પણ આ ડ્રોમાં ભાગ લેવાનું ચાલુ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
કેરળના જિજોય ગ્રુપ સાથે ખરીદતા હતા ટિકિટ
51 વર્ષીય જિજોય વિશ્વન મૂળ કેરળના છે અને વર્ષ 2007થી શારજહાંમાં રહીને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં કામ કરે છે. તેમનો પરિવાર ભારતમાં રહે છે. જિજોય દર મહિને પાંચથી દસ લોકોના ગ્રુપ સાથે મળીને બિગ ટિકિટ ખરીદતા હતા. જ્યારે આયોજકોએ ફોન કરીને તેમને સોનું જીત્યાની જાણ કરી, ત્યારે શરૂઆતમાં તેમને વિશ્વાસ થયો નહોતો. ત્યારબાદ તેમણે વેબસાઇટ પર પરિણામ તપાસ્યું હતું. જિજોયે જણાવ્યું કે ઈનામનું મૂલ્ય ગ્રુપના સભ્યો વચ્ચે વહેંચવામાં આવશે અને પોતાના હિસ્સાનો ઉપયોગ પરિવાર, પત્ની અને બાળકોની મદદ માટે કરશે.
દુબઈમાં રહેતા સિવિલ એન્જિનિયર સદાદુલ્લા પણ વિજેતા
51 વર્ષીય સદાદુલ્લા શરીફ મૂળ બેંગલુરુના રહેવાસી છે અને વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે. તેઓ છેલ્લા એક વર્ષથી દુબઈમાં રહે છે. એરપોર્ટ પર બિગ ટિકિટ વિશે જાણ્યા બાદ તેમણે ક્યારેક ઓનલાઇન તો ક્યારેક સ્ટોર પરથી ટિકિટ ખરીદી હતી. 200 ગ્રામ સોનું જીત્યાની જાણ થતાં સદાદુલ્લા પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
શું છે બિગ ટિકિટ ડ્રો?
બિગ ટિકિટ UAEમાં યોજાતો લોકપ્રિય ડ્રો કાર્યક્રમ છે, જેમાં ભાગ લેનારાઓને રોકડ પુરસ્કારો, લક્ઝરી કાર અને સોનાના બિસ્કિટ જીતવાની તક મળે છે. આ કાર્યક્રમ ખાસ કરીને UAE અને અન્ય ગલ્ફ દેશોમાં રહેતા વિદેશી નાગરિકોમાં લોકપ્રિય છે. આ વખતે ચાર ભારતીયોએ 200-200 ગ્રામ સોનું જીતીને ખુશી મેળવી છે. જોકે, ઈનામની વાસ્તવિક કિંમત સોનાના બજારભાવ અને લાગુ પડતી શરતો અનુસાર બદલાઈ શકે છે.









