વેનેઝુએલાનું ઓઈલ હવે અમેરિકા વેચશે, હિસાબ પણ ટ્રમ્પ રાખશે; કમાણી માટે બનાવ્યો નવો પ્લાન

ટ્રમ્પ સરકારે વેનેઝુએલાના સૌથી મૂલ્યવાન સંસાધના ઓઈલ પર નિયંત્રણ મેળવવા માટે એક મોટી અને સ્પષ્ટ રણનીતિની જાહેરાત કરી છે. અમેરિકાના ઉર્જા સચિવ ક્રિસ રાઈટે જણાવ્યું હતું કે, અમેરિકા હવે વેનેઝુએલાના ઓઈલના ભવિષ્યના તમામ વેચાણને નિયંત્રિત કરશે અને તેમાંથી થતી આવકનો હિસાબ પણ અમેરિકા જ રાખશે. આ યોજના એવા સમયે આવી છે જ્યારે ટ્રમ્પ સરકાર અમેરિકાની ઉર્જા કંપનીઓને વેનેઝુએલાના નષ્ટ થઇ રહેલા ઓઈલના માળખાને પુનઃજીવત કરવા અને તેના ઘટતા ઉત્પાદનને પુનર્જીવિત કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
શું છે અમેરિકાની સંપૂર્ણ યોજના?
મિયામીમાં એક કોન્ફરન્સને સંબોધતા ઉર્જા સચિવ ક્રિસ રાઈટે જણાવ્યું હતું કે શરૂઆતમાં, વેનેઝુએલાના સ્ટોરેજમાં રાખવામાં આવેલ ક્રૂડ ઓઈલનું વેચાણ કરવામાં આવશે. આ સ્ટોરેજ અમેરિકાના પ્રતિબંધોને કારણે વેચી શકાયું નહોતું. અમે ફક્ત તે ક્રૂડને ફરીથી ગતિમાં લાવીશું અને તેને વેચીશું. અમે વેનેઝુએલામાંથી આવતા ક્રૂડનું માર્કેટિંગ કરીશું - પહેલા આ સ્ટોર કરેલું ઓઈલ અને પછી અનિશ્ચિત સમય સુધી અમે વેનેઝુએલામાંથી આવતા ઉત્પાદનનું વેચાણ કરીશું." આ પહેલા, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સાંજે કહ્યું હતું કે વેનેઝુએલા અમેરિકાને વેચવા માટે 50 મિલિયન બેરલ જેટલું ઓઈલ સોંપશે, જેની કિંમત વર્તમાન બજાર ભાવે લગભગ $2.8 બિલિયન છે.
આવક કોના ખાતામાં જશે અને કોને થશે ફાયદો?
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે બુધવારે પુષ્ટિ કરી હતી કે અમેરિકાએ વેનેઝુએલાના ક્રૂડનું માર્કેટિંગ શરૂ કરી દીધું છે. આ વેચાણમાંથી થતી આવક યુએસ ટ્રેઝરીના ખાતામાં રાખવામાં આવશે, જે આ ભંડોળને વેનેઝુએલાના લેણદારોથી સુરક્ષિત રાખશે. લેવિટે કહ્યું કે આ ભંડોળ અમેરિકન અને વેનેઝુએલાના બંને લોકોના ફાયદા માટે હશે.
ક્રિસ રાઈટે સ્પષ્ટ કર્યું કે, "અમે કોઈનું ઓઈલ ચોરી રહ્યા નથી. અમે વૈશ્વિક ક્રૂડ બજારોમાં વેનેઝુએલાના ઓઈલનું વેચાણ ફરી શરૂ કરવા જઈ રહ્યા છીએ, તેને વેનેઝુએલાના નામે ખાતામાં મુકીશું અને તે ભંડોળને વેનેઝુએલાના લોકોના ભલા માટે પાછું વેનેઝુએલામાં લાવીશું."
અમેરિકન કંપનીઓની ભૂમિકા અને પડકારો
ટ્રમ્પ પ્રશાસન હવે શેવરોન, કોનોકોફિલિપ્સ અને એક્ઝોન જેવી અમેરિકન ઓઈલ કંપનીઓને વેનેઝુએલાના માળખાને પુનઃનિર્માણ કરવા અને ઉત્પાદન પુનર્જીવિત કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. આ માટે પ્રમુખ શુક્રવારે ઉર્જા અધિકારીઓ સાથે બેઠક પણ કરવાના છે. જોકે, વેનેઝુએલાના ઓઈલ ક્ષેત્રને તેની જૂની સ્થિતિમાં પાછું લાવવું એ એક મોટો પડકાર છે, જેમાં આગામી દાયકામાં દર વર્ષે લગભગ $10 બિલિયનના ખર્ચનો અંદાજ છે. અમેરિકી ઓઈલ કંપનીઓ કોઈપણ લાંબા ગાળાના રોકાણ કરતા પહેલા ત્યાં સ્થિર સરકારની ખાતરી કરવા માંગશે. આ દરમિયાન, અમેરિકાના દળોએ વધુ બે પ્રતિબંધિત ઓઇલ ટેન્કરોને જપ્ત કર્યા છે, જેમાં એક રશિયન ધ્વજવાળું પણ હતું, જે દર્શાવે છે કે અમેરિકા વેનેઝુએલાના ઓઈલ નિકાસ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે આક્રમક રીતે આગળ વધી રહ્યું છે.

