બલ્ગેરિયાના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા રાષ્ટ્રપતિ, ઇલિયાના આયોટોવાને 57.58% મત સાથે જીત

યુરોપિયન દેશ બલ્ગેરિયાના રાજકારણમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. દેશનાં કાર્યકારી રાષ્ટ્રપતિ ઇલિયાના આયોટોવા (Iliana Iotova)એ રાષ્ટ્રપતિની ચૂંટણીના બીજા તબક્કામાં (Presidential Runoff) જીત મેળવી છે. આ સાથે તેઓ બલ્ગેરિયાના ઇતિહાસમાં સીધી ચૂંટણી દ્વારા ચૂંટાનાર પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યાં છે. સેન્ટ્રલ ઇલેક્શન કમિશન (Central Election Commission)ના લગભગ અંતિમ પરિણામો અનુસાર, આયોટોવાને 57.58 ટકા મત મળ્યા છે. 99.95 ટકા મતદાન મથકોના પરિણામો મુજબ, આયોટોવાને આશરે 11 લાખ મત મળ્યા હતા. તેમના પ્રતિસ્પર્ધી આન્દ્રે ગુયરોવ (Andrey Gyurov)ને 39.47 ટકા એટલે કે લગભગ 7.49 લાખ મત મળ્યા હતા. જ્યારે 2.95 ટકા મતદારોએ ‘કોઈને સમર્થન નથી’ (I Support No One)નો વિકલ્પ પસંદ કર્યો હતો.
બીજા તબક્કામાં મળી સ્પષ્ટ જીત
25 ઓક્ટોબરે યોજાયેલા પ્રથમ તબક્કામાં કોઈ ઉમેદવારને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. પ્રથમ તબક્કામાં આયોટોવા અને તેમના સાથી ઉમેદવાર વાલ્ચેવને 34.6 ટકા મત મળ્યા હતા, જ્યારે ગુયરોવ અને કાંદેવને 32 ટકા મત મળ્યા હતા. ત્યારબાદ બંને મુખ્ય ઉમેદવારો બીજા તબક્કામાં પહોંચ્યા હતા. રવિવારે યોજાયેલી અંતિમ ચૂંટણીમાં આયોટોવાએ નોંધપાત્ર સરસાઈ મેળવી હતી.
કોણ છે ઇલિયાના આયોટોવા?
62 વર્ષીય ઇલિયાના આયોટોવા બલ્ગેરિયાના પૂર્વ વડાપ્રધાન રૂમેન રાદેવ (Rumen Radev)ના રાજકીય સાથી ગણાય છે. જાન્યુઆરીમાં રાદેવે સંસદીય ચૂંટણી લડવા માટે રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ આયોટોવાએ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે જવાબદારી સંભાળી હતી. હવે ચૂંટણીમાં જીત સાથે તેમને સ્વતંત્ર જનાદેશ મળ્યો છે. બલ્ગેરિયામાં રાષ્ટ્રપતિનું પદ મોટાભાગે ઔપચારિક હોવા છતાં તેની પાસે મહત્ત્વની સત્તાઓ છે. રાષ્ટ્રપતિ સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર હોય છે, રાજકીય કટોકટી દરમિયાન કાર્યકારી સરકારની નિમણૂક કરી શકે છે અને કાયદા પર વીટો (Veto Power) પણ વાપરી શકે છે.
રશિયા સાથે સંવાદની હિમાયતી
ચૂંટણી પ્રચાર દરમિયાન યુક્રેન યુદ્ધ અને કાળા સમુદ્ર (Black Sea)ની સુરક્ષા મુખ્ય મુદ્દા રહ્યા હતા. આયોટોવાએ પોતાને ‘શાંતિનાં રાષ્ટ્રપતિ’ (President of Peace) તરીકે રજૂ કરતાં રશિયા સાથે સંવાદની હિમાયત કરી હતી. તેમનું માનવું છે કે શાંતિ માટે વાટાઘાટો જરૂરી છે અને યુદ્ધમાં વધુ સૈન્ય સહાયથી જાનહાનિ વધી શકે છે. આયોટોવા યુરોપ સાથેના સંબંધો જાળવી રાખવાની સાથે રશિયા સાથે પણ સારા સંબંધો સ્થાપિત કરવાની નીતિ અપનાવે તેવી શક્યતા છે. તેમની જીતથી બલ્ગેરિયાની આંતરિક રાજનીતિ ઉપરાંત યુરોપ અને રશિયા સાથેના સંબંધો પર પણ નજર રહેશે.






