મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

વિશ્વને ટેરિફના નામે ધમકાવવા નીકળેલા ટ્રમ્પને પહેલા 'સુપ્રીમ'નો ઝટકો, અને હવે પડ્યા મુસીબતમાં!

કોઈ વાહન બેફામ સ્પીડે દોડતું હોય અને આગળ મોટું વાહન આવી જાય ત્યારે કેમની બ્રેક મારવી પડે તેવી

વિશ્વને ટેરિફના નામે ધમકાવવા નીકળેલા ટ્રમ્પને પહેલા 'સુપ્રીમ'નો ઝટકો, અને હવે પડ્યા મુસીબતમાં!

કોઈ વાહન બેફામ સ્પીડે દોડતું હોય અને આગળ મોટું વાહન આવી જાય ત્યારે કેમની બ્રેક મારવી પડે તેવી સ્થિતિ અમેરિકન પ્રમુખ ટ્રમ્પની થઈ છે. આખા વિશ્વને ટેરિફના નામે ધમકાવવા નીકળેલા ટ્રમ્પ પર તેમની જ સુપ્રીમ કોર્ટે જ મોટો ઘા કર્યો છે. તેના પગલે અત્યાર સુધીમાં ટ્રમ્પ તંત્ર પર 2000થી પણ વધુ આયાતકારોએ રિફંડના કેસો ઠપકારી દીધા છે, જે પરત આપવા ટ્રમ્પ ઇચ્છુક નથી. 

ઉલ્લખનીય છે કે અગાઉ પણ 27 જેટલા કારોબારોએ તો ટ્રમ્પના ગ્લોબલ ટેરિફને પડકાર્યો જ હતો. આ કેસ નીચલી કોર્ટોમાં હતો. તેઓએ હવે રિફંડ મેળવવા માટે આ કેસો રીઓપન કરવા જણાવ્યું છે. હવે યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ આગામી દિવસોમાં નક્કી કરશે કે 1500થી પણ વધુ આયાતકારોને તેમના રૂપિયા મળશે કે નહીં. ટ્રમ્પ વહીવટીતંત્ર નવી ટેરિફ નીતિનો અમલ જ ન કરી શકે અને રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરે તે માટે કારોબારોએ તો કોર્ટમાં ધા નાખી છે. 

કંપનીઓને વ્યાજ સાથે રિફંડ આપવા માટે કોર્ટમાં કરાઈ અરજી

નાના કારોબારોના જૂથના વકીલે ટ્રેડ કોર્ટમાં ત્રણ જજની પેનલ સમક્ષ અરજી ફાઇલ કરી છે કે અમેરિકન વહીવટીતંત્રની ટેરિફ પોલિસીનો અમલ અટકાવવામાં આવે અને રિફંડની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. અહીં ફક્ત રિફંડ જ આપવાનું છે તેવું નથી, આ રકમ ટ્રમ્પ તંત્રએ વ્યાજ સાથે  પરત આપવાની છે, કારણ કે અમેરિકન ન્યાય વિભાગના વકીલોએ જ જણાવ્યું હતું કે જો નાના કારોબારીઓ કેસ જીતશે તો તેમને વ્યાજ સાથે રકમ પરત મળશે. હવે સરકારે તેના વચનનું પાલન કરવાનું છે. કારોબારીઓનું પ્રતિનિધિત્વ કરનારા વરિષ્ઠ વકીલ અને લિબર્ટી જસ્ટિસ સેન્ટરના લિટિગેશન ડિરેક્ટર જેફ્રી સ્કૂબે જણાવ્યું હતું કે સરકારે હવે પોતાના વચનનું પાલન કરવાનું છે. ટ્રમ્પના વલણના કારણે તેમનું માનવું છે કે આ કેસોનો નીવેડો આવતા વર્ષો પણ લાગી શકે છે. 

ફેડેક્સે એક અબજ ડોલરથી પણ વધુ રકમનું માંગ્યું રિફંડ

આજની તારીખ સુધીમાં 1500થી પણ વધુ રિફંડ લોસ્યુટ ફાઇલ થઈ ચૂકી છે.  તેમા ફેડેક્સ જેવી કંપનીનો પણ સમાવેશ થાય છે. તેણે એક અબજ ડોલરથી પણ વધુ રકમના રિફંડનો દાવો કર્યો છે. આ જોતાં હવે જો યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે આગામી દિવસોમાં ટ્રમ્પ તંત્રની વિરોધમાં ચુકાદો આપ્યો તો તેમની સ્થિતિ વધુ વણસી શકે છે. હવે એકલી ફેડેક્સનો જ એક અબજ ડોલરથી વધુ રકમનો દાવો છે. આવી બીજી અનેક કંપનીઓના દાવાનો ટ્રમ્પ તંત્રએ સામનો કરવાનો છે. 

સુપ્રીમ કોર્ટે નવેમ્બરમાં ટ્રમ્પના ટેરિફ સામે સુનાવણી શરૂ કરી ત્યારથી જ આયાતકારોને અંદેશો આવી ગયો હતો કે ટ્રમ્પના ટેરિફ ટકવાના નથી, તેથી તેમણે ત્યારથી જ કેસ કરવાના શરૂ કરી દીધા હતા એમ બ્લૂમબર્ગે જણાવ્યું હતું. અમેરિકન કારોબારોનું મંતવ્ય છે કે યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે એક પછી એક કેસની સુનાવણી કરવાના બદલે બધી અરજીઓને મર્જ કરી દઈને તેની સુનાવણી કરવી જોઈએ, જેથી તેનો ઝડપથી ઉકેલ આવે. 

આ સમાચાર શેર કરો