ટ્રમ્પે ટારગેટ બદલ્યો, વેન્સને કહ્યું- ઇરાનને છોડો, ડેમોક્રેટ્સ શાસિત રાજ્યો સામે કાર્યવાહી કરો

અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને ફટકો પડ્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ડેમોક્રેટિક પાર્ટી સામે નવો મોરચો ખોલ્યો છે. ટ્રમ્પે ઉપપ્રમુખ જેડી વેન્સને ડેમોક્રેટ્સના શાસનવાળા રાજ્યો અને શહેરોમાં કથિત ભ્રષ્ટાચાર તથા ગુનાખોરી પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા અને કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ સાથે ટ્રમ્પે ઈરાન સાથે કોઈ પણ પ્રકારનો કરાર કરવાની જરૂર ન હોવાનું પણ સ્પષ્ટ કર્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને વેન્સને આ જવાબદારી સોંપવાની જાણકારી આપી હતી. તેમણે મિનેસોટા, કેલિફોર્નિયા અને ઇલિનોઇસ સહિતનાં રાજ્યોના વહીવટ પર સવાલ ઉઠાવ્યા હતા. ટ્રમ્પે આ રાજ્યોને ખરાબ વહીવટવાળાં અને ભ્રષ્ટાચારથી બરબાદ થયેલાં ગણાવ્યાં હતાં.
'દર મહિને અબજો ડોલરની ચોરી થઈ રહી છે'
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં દાવો કર્યો હતો કે ડેમોક્રેટ્સના શાસનવાળાં રાજ્યોમાં દર મહિને અબજો ડોલરની ચોરી થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે આ રાજ્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગુનાખોરી ચાલી રહી છે. આવી પ્રવૃત્તિઓ અટકાવવામાં આવે તો અમેરિકાનું બજેટ ખૂબ જ ઝડપથી સંતુલિત કરી શકાય છે. ટ્રમ્પે ડેમોક્રેટિક નેતૃત્વ પર સીધો પ્રહાર કરતાં કહ્યું હતું કે ભ્રષ્ટાચાર તેમના લોહીમાં જ છે. જોકે, તેમણે પોતાના આરોપોના સમર્થનમાં કોઈ ચોક્કસ કેસ, આંકડા કે તપાસની વિગતો રજૂ કરી નથી. જેડી વેન્સ આ તપાસ કેવી રીતે આગળ વધારશે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ઈરાન સાથે કોઈ સમજૂતી નહીં: ટ્રમ્પ
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં ઈરાનનો ઉલ્લેખ કરીને તેની સાથે કોઈ સમજૂતી કરવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઈરાન સાથે કરાર કરવાનો સમય હવે ઘણો પાછળ રહી ગયો છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકા પાસે ઈરાનના અબજો ડોલર અને હોર્મુઝ સ્ટ્રેટ છે.તેમનું આ નિવેદન ઈરાન સાથેની વાટાઘાટો અને હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકાના કડક વલણનો સંકેત આપે છે.
ચૂંટણીનાં પરિણામો બાદ રાજકીય ટકરાવ વધશે?
મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને નુકસાન થયું છે અને ડેમોક્રેટ્સે સંસદનાં બંને ગૃહોમાં બહુમતી મેળવી છે. આ પરિણામો બાદ ટ્રમ્પ સરકારના નિર્ણયો અને કામગીરી પર સંસદીય દેખરેખ વધવાની શક્યતા છે. ચૂંટણીનાં પરિણામો બાદ જેડી વેન્સે ઈરાન યુદ્ધને રિપબ્લિકન પાર્ટીના નબળા પ્રદર્શનનું એક મોટું કારણ ગણાવ્યું હતું. હવે ટ્રમ્પે તેમને ડેમોક્રેટ્સના શાસનવાળાં રાજ્યોમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જવાબદારી સોંપી છે. આ ઘટનાક્રમથી અમેરિકામાં ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી વચ્ચેનો રાજકીય ટકરાવ વધુ તીવ્ર બની શકે છે. જોકે, વેન્સ તરફથી આ સૂચના અંગે હજુ સુધી કોઈ આગામી કાર્યવાહી જાહેર કરવામાં આવ્યો નથી.













